ભાવનગર : જન્મની સાથે માઁનો ખોળો નથી જોયો, માઁની મમતા નથી માણી તેવા એક બાળકે તેની માતાનુું નામ રોશન કર્યું છે. નળિયાવાળા એક રૂમમાં દાદીની દેખરેખમાં મોટો થયેલો નિકુંજ મકવાણાએ આજે રાજ્ય કક્ષાએ પોતાની શાળા અને દાદી તેમજ માતા-પિતાનું નામ રોશન કર્યું છે. જોકે, નિકુંજને ઘરમાં એક ટંકનું ભોજન મેળવવામાં પણ ફાફા છે. વાત છે ભાવનગરની અક્ષર પાર્ક શાળાના વિદ્યાર્થી નિકુંજ મકવાણા અને અન્ય બે વિદ્યાર્થીઓની. જેઓ રાજ્યકક્ષાની યોગાસન સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ મેળવીને આવ્યા છે.
સાચા હીરા : ભાવનગર શહેરના કુંભારવાડા અક્ષરપાર્કમાં આવેલી શાળા નં. 52 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ યોગનું શિક્ષણ પણ મેળવી રહ્યા છે. શાળા તરફથી એક રિક્ષા યુનિવર્સિટીના યોગ હોલ ખાતે મોકલવામાં આવે છે. કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શાળામાં આવીને યોગ શીખવે છે. ત્યારે હાલ અમદાવાદમાં 6 ઓગસ્ટના રોજ યોજાયેલી રાજ્ય કક્ષાની યોગાસન સ્પર્ધામાં અક્ષરપાર્કની શાળા નં. 52 ના વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યા છે.
ત્રણ એક્કા : ખોખાણી પ્રદીપ રાજુભાઈ, પરમાર નરેન્દ્ર રાજુભાઈએ આર્ટિસ્ટિક પેરમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. જ્યારે નિકુંજ સંજયભાઈ મકવાણાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. પ્રદીપ અને નરેન બંનેના પિતા રત્ન કલાકાર છે અને પછાત વર્ગમાંથી આવે છે. આ બંને ધોરણ 6 ના વિદ્યાર્થીઓ છે. જ્યારે નિકુંજ મકવાણા ધોરણ 5 નો વિદ્યાર્થી છે. તે પણ ગરીબી નીચે જીવતા પરિવારોનો પુત્ર છે.
વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ છવાયા : અક્ષરપાર્કની શાળા નંબર 52 માં શિક્ષક ભગીરથભાઈ દાણીધરિયાના માર્ગદર્શન નીચે વિદ્યાર્થી યોગ શીખી રહ્યા છે. હાલ 30 થી 35 જેટલા વિદ્યાર્થીઓ યોગ શીખી રહ્યા છે. ત્યારે હાલ અમદાવાદમાં યોજાયેલી રાજ્ય કક્ષાની યોગાસન સ્પર્ધામાં અક્ષરપાર્ક શાળાના 10 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ 10 વિદ્યાર્થીઓએ નવ ગોલ્ડ મેડલ, ત્રણ સિલ્વર મેડલ અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
મેં નિકુંજને સાત વર્ષથી મોટો કર્યો છે. તેના મમ્મીના અવસાન પછી ઘર ચલાવવાની જવાબદારી મારા ઉપર છે. કડિયાકામમાં મજૂર તરીકે કામ કરી ગુજરાન ચલાવી રહ્યા છીએ. મજૂરી મળે તો ખાઈએ છીએ નહિતર જે હોય તે ખાઈ લઈએ છીએ. નિકુંજની મમ્મીનું બિમારીના કારણે અવસાન થયું હતું. મારો એક પુત્ર સંજય છે જેને એક પગ નથી. તે રત્નકલાકારીનું કામ મળે તો કરે છે. નહિતર મારી કમાણી ઉપર ઘર ચાલે છે. ભગીરથભાઈ જેવા શિક્ષક અમને આર્થિક મદદ કરી અને નિકુંજને અભ્યાસ કરાવે છે.-- વિનુબેન મકવાણા (નિકુંજના દાદી)
કોણ છે નિકુંજ મકવાણા : દરેક બાળકો પછાત વર્ગમાંથી આવે છે. ત્યારે કોઈના ઘરમાં મજૂરી કામ તો કોઈના ઘરમાં રત્નકલાકારીનું કામ કરીને જીવન નિર્વાહ ચલાવવામાં આવે છે. આ વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાએ સફળતા મેળવી છે. આ સૌ વિદ્યાર્થીઓમાં નિકુંજ મકવાણા ખાસ વિદ્યાર્થી છે. આખરે નિકુંજની સફળતા અન્ય બાળકોથી ચડીયાતી છે તેનું મુખ્ય કારણ નિકુંજની સંઘર્ષકથા છે. ભાવનગરના કુંભારવાડા નારી રોડ ઉપર એક નાનકડી ઓરડીમાં રહેતા વિનુબેનનો પુત્ર સંજય અને પૌત્ર નિકુંજ છે. નિકુંજના જન્મ બાદ તેની માતાનું જીવલેણ બીમારીના કારણે અવસાન થયું હતું. આથી છેલ્લા સાત વર્ષથી વિનુબેનના દાદી તરીકે નિકુંજનું પાલનપોષણ કરી રહી છે.
માતાનું બીજું રૂપ ગુરુ : બાળકને જેમ વાળો તે રીતે વળે તેવું કહેવામાં આવે છે. ત્યારે નિકુંજ માતાની મમતા તો પામી શક્યો નથી. એકમાત્ર નળિયાવાળા ઘરમાં કોઈ ભાઈ-બહેન વગર પોતાનું જીવન વિતાવી રહ્યો છે. નાનકડી ઓરડીમાં જ્યાં રહેવામાં તકલીફ છે. ત્યાં રહીને શાળામાં અભ્યાસ પણ કરી રહ્યો છે. જોકે, તેના શિક્ષક ભગીરથભાઈએ મૌખિક જણાવ્યું હતું કે, એક દિવસ નિકુંજે સાયકલની ચોરી કરી હતી. અમને સીસીટીવી ઉપરથી આ અંગે ખબર પડી ગઈ હતી. બાદમાં અમે નિકુંજને બોલાવીને તેને સમજાવ્યો હતો. ત્યારબાદ મેં નિકુંજને ધીરે ધીરે સમજ આપી. મારા પુત્રની સાયકલ લાવીને તેને આપી હતી. ત્યારબાદ નિકુંજ મારું કહ્યું માનવા લાગ્યો હતો. આથી મેં તેને યોગ તરફ વાળ્યો હતો. આજે તે રાજ્યકક્ષાની યોગાસન સ્પર્ધામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરવામાં સફળ થયો છે.