- આરોગ્ય કર્મચારીઓ દ્વારા પડતર માંગણીઓ બાબતે રજૂઆત
- સરકાર દ્વારા કર્મચારીના હિતમાં નિર્ણય નહીં લેવાઇ તો કર્મચારીઓ દ્વારા હડતાલની ચીમકી
- વેક્સિન આપવાની કામગીરીથી અળગા રહેવાની ચીમકી
ભાવનગરઃ જિલ્લા આરોગ્ય કર્મચારીઓ દ્વારા સરકાર પાસે પોતાની પડતર માંગણીઓ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. જે માગણીઓનો આજ સાંજ સુધીમાં નિકાલ નહિ આવે તો આરોગ્ય કર્મચારીઓ દ્વારા આગામી દિવસોમાં કોરોના વેક્સિન આપવાની કામગીરીથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘની બેઠક યોજાઇ
રાજ્ય સરકારને અમારા પડતર પ્રશ્નોને લઈને અપાયેલા અલ્ટીમેટમનો સમય આજે સાંજે પૂરો થવામાં છે, ત્યારે જો સરકાર અમારા પ્રશ્નનું નિરાકરણ નહીં લાવે તો ગણતરીની કલાકો બાદ અમે હડતાલ પાડીશું અને કોરોના તેમજ પોલિયોની રસીના કામમાં પણ નહીં જોડાઈએ તેમ ભાવનગર ખાતે આજે યોજાયેલી ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘની બેઠકમાં ભાગ લેવા આવેલા મહાસંઘના ગુજરાતના ઉપપ્રમુખએ સરકારને ચીમકી આપી હતી.
હડતાલની આપાઇ ચીમકી
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના કર્મચારીઓના પ્રશ્નો જેવા કે, પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓના તેમજ નર્સના ગ્રેડ પે સુધારવા તેમજ ફાર્માસીસ્ટ,એ આઈ સી ઈ ટી મુજબ ટેક્નિકલ કેડર હોઈ તેમના આર આર મુજબ છઠા પગાર પાંચ મુજબ 4600 નો ગ્રેડ આપવા અને અન્ય પ્રશ્નોને લઈને ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા અનેક વખત સરકારમાં રજુઆત અને આવેદન આપવામાં આવ્યા છે. તેમ છતાં તેનો ઉકેલ આજ સુધી આવ્યો નથી આજે સૌરાષ્ટ્રના 11 જિલ્લાના પદાધિકરીઓની ભાવનગરમાં બેઠક મળી હતી. જેમાં આજ સાંજ સુધીમાં કોઈ નિણર્ય સરકાર કર્મચારીના હિતમાં નહીં લે તો હડતાલ ઉપર ઉતરવાની ચીમકી અપાઈ હતી. કર્મચારીઓનું કહેવું છે કે જો પ્રશ્નનો હલ નહીં આવે તો હડતાલ ઉપર જઈશું તેના કારણે કોરોના વેક્સીન અને પોલિયોની કામગીરીથી પણ અમે અળગા રહેશુ.