અમદાવાદઃ ભાવનગર યુનિવર્સિટીનો વિવાદિત જગ્યાનો મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે. આ મામલે રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી છે. સાથે જ રાજ્ય સરકારે ભાવનગર સિવિલ કોર્ટના ચૂકાદાને પણ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો છે.
આ પણ વાંચોઃ High Court: છેડતી કેસમાં જવાબ રજૂ કરવા ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે HC પાસે માગ્યો સમય
સરકારે જગ્યા પર કર્યો દાવોઃ આ સમગ્ર મામલે રાજ્ય સરકારની હાઈકોર્ટમાં રજૂઆત હતી કે, ભાવનગર યુનિવર્સિટીના કેમ્પસમાં અમુક જગ્યાઓ સરકારની છે. રાજા મહારાજાના સમયમાં ભાવનગર યુનિવર્સિટીના અત્યારની જગ્યામાં ઘોડાઓના તબેલાઓ તેમ જ અમુક મકાનો સ્થિત હતા. પરંતુ આઝાદી પછી રજવાડું રાજ્યમાં ભળી જતા આ સમગ્ર જગ્યાઓ સરકારને હસ્તક થઈ હતી. આ જગ્યા પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવતી હતી, પરંતુ વિલિનીકરણ બાદ ભાવનગર યુનિવર્સિટીના કેમ્પસમાં ગઈ હતી. તેથી તે સમયથી લઈને આ જગ્યા સરકારની છે.
શું છે સમગ્ર મામલો: સમગ્ર કેસની વિગતો જોઈએ તો, છેલ્લા ઘણા સમયથી ભાવનગર યુનિવર્સિટીના કેમ્પસની કેટલીક જગ્યાને લઈને યુનિવર્સિટી અને રાજ્ય સરકાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો, જેમાં સરકારે એવો દાવો કર્યો હતો કે, આ જગ્યા આઝાદી વખતથી સરકારની છે. જ્યારે ભાવનગર યુનિવર્સિટીએ કહ્યું હતું કે, આ જગ્યા પહેલાંથી જ યુનિવર્સિટીની છે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી આ જગ્યાનું વિલિનીકરણ થયું ત્યારથી આ જગ્યા ભાવનગર યુનિવર્સિટીના કેમ્પસમાં જ આવે છે. આ વિવાદ આટલેથી ન અટકતા સમગ્ર મામલો ભાવનગર સિવિલ કોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં કોર્ટે ભાવનગર યુનિવર્સિટીના તરફેણમાં ચૂકાદો આપ્યો હતો.
સરકારે સિવિલ કોર્ટના ચૂકાદાને HCમાં પડકાર્યોઃ મહત્વનું છે કે, આ સમગ્ર મામલો પહેલા ભાવનગર સિવિલ કોર્ટમાં ચાલતો હતો, જ્યાં ભાવનગર સિવિલ કોર્ટ દ્વારા ભાવનગર યુનિવર્સિટીની તરફેણમાં ચૂકાદો આપવામાં આવ્યો હતો. સિવિલ કોર્ટે ચૂકાદામાં કહ્યું હતું કે, આ જગ્યા ભાવનગર યુનિવર્સિટીની છે. જોકે, ત્યારબાદ રાજ્ય સરકારે સિવિલ કોર્ટના ચુકાદાને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો છે. ત્યારે આ સમગ્ર મામલે 23 માર્ચે વધુ સુનાવણી હાથ ધરાશે.