ભાવનગરઃ શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલા સરકારી આવાસોમાં ચોમાસું હોઈ કે ના હોઈ ઈમારતનો કોઈનો કોઈ ભાગ ધરાશાયી બનવાના કિસ્સા બનતા રહ્યા છે. ત્યારે ભાવનગરમાં હાલ ચાલી રહેલા ચોમાસામાં ભરતનગરમાં આવેલા આદર્શ સોસાયટીના ત્રીજા માલનો ભાગ પડ્યો હતો. જો કે આ ઈમારત ખાલી છે તો કેટલાક હજુ તેમાં વસવાટ કરી રહ્યા છે. જર્જરિત ઈમારત હોવા છતાં ઈમારતને ઉતારવામાં આવી નથી, વરસાદમાં પડેલા ઈમારતના ભાગના કારણે નીચે રહેલી દુકાનમાં નુકશાન થવા પામ્યું હતું, પરંતુ કોઈ જાનહાની થવા પામી ન હતી.
આમ તો ભાવનગરના ત્રણ માળિયા એટલે ભરતનગરના વર્ધમાન નગર અને આદર્શ સોસાયટી માનવામાં આવે છે. સરકાર આ વસાહતમાં વર્ષો થવા છતાં કોઈ મરામત કરવામાં આવી નથી. ગુજરાત હાઉસિંગ બોર્ડની જવાબદારી થાય છે કે તેઓ મરામત કરાવે, પરંતુ તેમના દ્વારા કોઈ પણ મરામત કરાવવામાં આવતી નથી અને મનપા દ્વારા આવી ઈમારતોને ઉતારવાનું પણ કામ કરવામાં આવતું નથી. આ ત્રણ માળિયામાં રહેતા લોકોને બે-ચાર વર્ષ પહેલા ધારાસભ્ય અને સ્થાનિક તંત્રે બાહેધરી આપી હતી કે તેઓ ખાલી કરી આપે એટલે મરામત તંત્ર કરાવી આપશે. જો કે ત્રણ માળીયામાં રહેનાર ગરીબો હોવાથી તેમને તંત્ર પાસે ભાડાની માંગ કરી હતી, તંત્ર એ વાતને લઈને પણ સહેમત થઇ ગયું હતું કે ભાડું આપવામાં આવશે.
આમ વસાહતીઓ ઈમારતો ખાલી કરીને જતા રહ્યા અને બાદમાં દિવસો વિતતા રહ્યા અને ના મરામત થઇ કે ના ભાડું આપવામાં આવ્યું અને આજે પણ આવા મકાનો ખંડેર હાલતમાં ઉભા છે. વસાહતીઓ તંત્ર અને ધારાસભ્ય સામે રોષ તો ઠાલવી રહ્યા છે, પણ કશું વળતું નથી. કેટલાક વસાહતીઓ જીવના જોખમે પણ આવા મકાનોમાં હજુ રહી રહ્યા છે. તા પણ જવાબદાર તંત્રે ઊંચા હાથ કરીને કશું કર્યું નહી અને આજે પણ ચોમાસું હોઈ કે ના હોઈ મકાન પડવાના કિસ્સાઓ બની રહ્યા છે, પણ ચોમાસામાં ભય વધી જાય છે.