ભાવનગરઃ તાજેતરમાં જ ગુજરાત જ નહીં પરંતુ ભારતને ગરબાએ ગૌરવ અપાવ્યું છે. યુનેસ્કોએ પોતાની સાંસ્કૃતિ પરંપરાની યાદીમાં ગરબાને માનવંતુ સ્થાન આપ્યું છે. આ ઘટનાથી માત્ર ખેલૈયાઓ જ નહીં પણ લોકકલાકારો પણ રોમાંચિત થઈ ઉઠ્યા છે. વિશ્વ ફલક પર ગરબાને વિશિષ્ટ ઓળખ મળી તે આપણા ગુજરાતીઓ માટે બહુ ગૌરવપ્રદ ઘટના છે. ઈટીવી ભારતે ભાવનગરના બે અગ્રણી લોકકલાકારો સાથે વાતચીત કરીક છે. આ બંને કલાકારો છે અમુલ પરમાર અને રાજેશ્રી પરમાર.
કલાકાર દંપતિઃ ભાવનગરમાં રહેતા અમુલ પરમાર ગરબાના શિક્ષક તરીકે વર્ષો સુધી સેવા આપી ચૂક્યા છે. તેઓ ફોટોગ્રાફર પણ છે. જ્યારે તેમના પત્ની રાજેશ્રી પરમાર લોકગાયિકા છે. આ બંને કલાકારો ભાવનગર શહેર ઉપરાંત સમગ્ર પંથકમાં પોતાની કળા માટે પ્રખ્યાત છે. માતાજીના ગરબા માટે આ દંપતિ કલાકારનું સમર્પણ કાબિલે દાદ છે. યુનેસ્કોએ સાંસ્કૃતિક પરંપરાની યાદીમાં ગરબાને 15મુ સ્થાન આપ્યું છે તેનાથી આ દંપતિ બહુ ઉત્સાહી છે.
ગુજરાતના ગરબાને યુનેસ્કોએ સાંસ્કૃતિક પરંપરામાં 15મુ સ્થાન આપ્યું તેનાથી ગુજરાત જ નહીં પણ ભારતને પણ ગૌરવ મળ્યું છે. ગુજરાતમાં ગવાતા ગરબા બે પ્રકારના છે. જેમાં પ્રાચીન અને અર્વાચીન ગરબાનો સમાવેશ થાય છે. પ્રાચીન ગરબા એટલે નદી કિનારે રહેતી વસ્તી જે પરંપરાગત ગરબા કરતી હતી તે. જેમાં જાતે ગરબા ગાવાના, રમવાના, જેમાં એક ઢોલી, એક હાર્મોનિયમ પ્લેયર, એક શરણાઈવાળો હોય. સમય જેમ જેમ વીતતો ગયો તેમ તેમ ગરબામાં બહુ પરિવર્તન આવ્યું તે ગરબા એટલે આજના અર્વાચીન ગરબા. આજના ગરબામાં નવા નવા સ્ટેપ, ડિફરન્ટ અને ટ્રેડિશનલ ક્લોથ્સ વગેરેનો સમાવેશ થાય છે. ગરબાએ ગુજરાતને જે ગૌરવ અપાવ્યું છે તેનાથી કલાકારોને વિદેશમાં પણ પર્ફોર્મ કરવાની અનેક તકો મળી રહી છે...અમુલ પરમાર(ગરબા શિક્ષક અને ફોટોગ્રાફર, ભાવનગર)
ગરબાને મળેલ ગૌરવ માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારત માટે પણ આ ગૌરવવંતી બાબત છે. નવરાત્રિ આપણો મોટો તહેવાર છે. નવ દિવસ માતાજીની ભક્તિ અને આરાધનાનો પર્વ છે. આજે અનેક પ્રકારના ગરબા ગવાય છે. હું હજૂ પણ માતાજી માટે ગવાતા પરંપરાગત ગરબા ગાઉં છું...રાજેશ્રી પરમાર(લોકગાયિકા, ભાવનગર)