ભાવનગર : તહેવાર દરમિયાન ભાવનગર મહાનગરપાલિકા ફૂડ ચેકિંગની કાર્યવાહી હાથ ધરી શહેરભરમાંથી ખાદ્ય પદાર્થના સેમ્પલ લેવામાં આવે છે. પરંતુ તેનો રિપોર્ટ આવે ત્યાં સુધીમાં તો ખાદ્યચીજો વહેંચાઈ જાય અને લોકો આરોગી પણ જતા હોય છે. લોકોના આરોગ્ય અને સ્વાસ્થ્યની સુરક્ષા હેતુ કરવામાં આવતી કામગીરીના રિપોર્ટ આવતા હદ બારનું મોડું થાય છે. જાણો સમગ્ર મામલો
ભાવનગર મનપાની કાર્યવાહી : ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા પ્રજાના સ્વાસ્થ્યની સુરક્ષાના પગલે દિવાળીના સમયમાં મીઠાઈ અને ફરસાણની દુકાનમાં કાર્યવાહી કરવામાં આવી હતી. દિવાલી પહેલા મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવેલા સેમ્પલના રિપોર્ટ મામલે સસ્પેન્સ રહ્યું છે. મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી પરંતુ પરિણામ શું આવ્યું તેનો જવાબ હજુ અકબંધ છે.
સેમ્પલ લીધા પરંતુ રિપોર્ટ ક્યાં ? ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા દિવાળી પહેલા સાતમ આઠમ સમયે ખાદ્યચીજોના સેમ્પલ લેવામાં આવ્યા હતા, તેના રિપોર્ટ હવે હાલમાં આવી રહ્યા છે. ત્યારે દિવાળીમાં લોકો સૌથી વધારે ફરસાણ અને મીઠાઈ જેવી ચીજોની ખરીદી કરતા હોય છે. મહાનગરપાલિકા દ્વારા દિવાળી સમયે લીધેલા ખાદ્યચીજો, ફરસાણ, માવો, મીઠાઈના સેમ્પલના રિપોર્ટ હજુ સુધી આવ્યા નથી. મહાનગરપાલિકા દ્વારા આ સેમ્પલને વડોદરા ખાતે મોકલવામાં આવે છે. પરંતુ દિવાળીનો સમય વીતી ગયા અને આજે બે મહિના જેટલો સમય પસાર થવા છતાં પણ હજુ સુધી રિપોર્ટ આવ્યા નથી.
બીત ગઈ સો બાત ગઈ ? ભાવનગર મહાનગરપાલિકા દ્વારા દિવાળીના સમયે ફૂડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ અંગે ભાવનગર મનપાના આરોગ્ય વિભાગના અધિકારી આર. કે. સિન્હાએ જણાવ્યું હતું કે, જુલાઈ માસમાં લેવામાં આવેલા સેમ્પલના રિપોર્ટ આવી ગયા છે. જ્યારે દિવાળીના સમયમાં સેમ્પલ લેવામાં આવ્યા હતા, તેના રિપોર્ટ હજુ સુધી આવ્યા નથી. દિવાળીના સમયે કુલ 131 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેના રિપોર્ટ હજુ નથી આવ્યા. જોકે જુલાઈ માસમાં લીધેલા સેમ્પલનો એક પણ રિપોર્ટ ફેલ થયો નથી.
અનિચ્છનીય બનાવ બને તો જવાબદાર કોણ ? ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ખાદ્યચીજોને લઈને સતર્કતા દાખવવામાં આવતી હોય છે. ફરસાણ, માવો, તેલ, લોટ વગેરે જેવા ખાદ્ય ચીજોના સેમ્પલ લઈને ટેસ્ટીંગ માટે વડોદરા અથવા રાજકોટ મોકલવામાં આવે છે. પરંતુ એક તહેવાર ગયા બાદ બીજો તહેવાર આવે નહીં ત્યાં સુધી સેમ્પલના રિપોર્ટ નહીં મળતા હોવાનું સામે આવી રહ્યું છે. દિવાળી ઉપર લીધેલા ખાદ્યચીજોના સેમ્પલના રિપોર્ટ ઉતરાયણ નજીક આવી ગઈ હોવા છતાં પણ હજુ સુધી મળ્યા નથી. ત્યારે સેમ્પલની તપાસ અને ટેસ્ટીંગ વહેલી તકે થવા લાગે તે માટે મહાનગરપાલિકા યોગ્ય પગલા ભરે તે જરૂરી બન્યું છે.