ભાવનગર: ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે તેની વાતો કરવામાં તો આવે છે પરંતુ ધણી વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેનાથી એવું લાગે છે કે આ વાતો હવે કાગળ પર જ રહી ગઇ છે. મહિલાઓની સુરક્ષાને લઇને ગુજરાતમાં પણ સવાલ થઇ રહ્યા છે. કેમકે એવા કિસ્સાઓના દરમાં સતત વધારો થઇ રહ્યો છે. ફરી વાર એવો જ કિસ્સો ભાવનગરમાં આવેલા ગારીયાધારમાં બન્યો છે. જેમાં એક શખ્સ વિદ્યાર્થીનીઓ પસાર થતી હોય તેને ચેનચાળા કરતો હતો. પરંતુ આખરે આ શખ્સને શી ટીમે ઝડપી લીધો હતો. શી ટીમે યુવાનને ઝડપીને કાયદાનું ભાન કરાવ્યું હતું.
આ પણ વાંચો Vadodara : સંસ્કારનું સિંચન કરતા શિક્ષકે શિષ્યાની છેડતી કરતાં ખળભળાટ
મહિલાઓની સુરક્ષા: ભાવનગર શહેર અને જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા યુવતીઓ અને મહિલાઓની સુરક્ષા માટે શી ટીમની રચના કરવામાં આવેલી છે. ત્યારે ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં શાળામાંથી છૂટતી વિદ્યાર્થીઓની સામે ચેનચાળા કરતાં શખ્સને ઝડપી લીધો હતો. ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં શી ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે પાલીતાણા રોડ ઉપર ગનીપીરની દરગાહ પાસે પહોંચતા બપોરના 12.10 કલાકે દરગાહની બાજુમાં આવેલી સોડાની દુકાને ઉભેલો 19 વર્ષીય યુવાન સમીર અલ્તાફ ચૌહાણ શાળાની વિદ્યાર્થીનીઓ પસાર થતા ચેનચાળા કરતો રંગે હાથે શી ટીમે પકડ્યો હતો. લવરમુછીયાને ભાન કરાવવા શી ટીમે ગુન્હો નોંધીને કાર્યવાહી કરી હતી.
પોલીસ એક્શન મોડમાં: ગારીયાધારના પાલીતાણા રોડ ઉપર ગનીપીરની દરગાહ પાસે સોડાની દુકાને ઉભેલો સમીર અલ્તાફ ચૌહાણ મૂળ હીરા ઘસવાનું કામ કરે છે. ગારીયાધારના ઘાંચીવાડમાં રહે છે. જે સોડાવાળાની દુકાને ઊભા રહીને કે વી સ્કૂલથી વાલમ સ્કૂલ રોડ પર શાળાની વિદ્યાર્થીનીઓ પસાર થતા સમયે સામે જોઈને આંખેથી ઈશારા કરતો હતો. તેમજ બીભત્સ શબ્દોનો ઉચ્ચારણ કરતો હોવાનું શી ટીમે જોતા એક્શન લીધી હતી. શી ટીમે પોલીસ તરફથી જી પી એક્ટ કલમ 110, 117 મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. જો કે બાદમાં યુવાનને જામીન ઉપર છુટકારો મળ્યો હોવાનું ગારીયાધાર પોલીસ સ્ટેશનને જણાવ્યું હતું. ભાવનગરમાં આ બનાવમાં શી ટીમ યુવતીઓ માટે દેવદુત બનીને આવી હોય તેવું જોવા મળ્યું છે.