- ભાવનગર શહેરની હોસ્પિટલોમાં ઓપરેશન થિયેટરોની શુ પરિસ્થિતિ
- ભાવનગર શહેરમાં ખાનગી હોસ્પિટલમાં 64 જેટલા ઓપરેશન થિયેટરો છે
- ભાવનગર શહેરમાં આરોગ્ય કેન્દ્રમાં ઓપરેશન થિયેટરોની સુવિધાઓનો અભાવ
ભાવનગરઃ શહેરમાં સર. ટી. હોસ્પિટલ એક માત્ર એવી હોસ્પિટલ છે. જ્યાં 11 જેટલા અલગ-અલગ વિભાગના ઓપરેશન થિયેટરો છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં 64 ઓપરેશન થિયેટરો છે. તો જિલ્લામાં PHC સેન્ટરોમાં માઇનોર માટે 18 અને CHC સેન્ટરમાં 11 સેન્ટરો છે એટલે કોઈ મેજર ઓપરેશન કરવાનું થાય તો ખાનગી હોસ્પિટલ અથવા સરકારી સર. ટી. હોસ્પિટલ પર મદાર રાખવો પડે છે.
આરોગ્ય કેન્દ્રમાં ઓપરેશન થિયેટરોની ખામી
ભાવનગર શહેરમાં ઓપરેશન થિયેટરો સરકારી હોસ્પિટલોમાં તો છે પણ ક્યાંક નવીનીકરણની જરૂર છે. ખાનગી હોસ્પિટલોમાં શહેરોમાં ઓપરેશન થિયેટરો છે. તો સરકારી હોસ્પિટલોમાં પણ છે, ત્યારે શહેરમાં મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં અને જિલ્લામાં કેટલાક આરોગ્ય કેન્દ્રમાં ઓપરેશન થિયેટરો નથી. જ્યારે ભાવનગર શહેરમાં ઓપરેશન થિયેટરોની શુ પરિસ્થિતિ છે.
ભાવનગર મહાનગરપાલિકા ઓપરેશન થિયેટરની વ્યવસ્થા નથી
ભાવનગર મહાનગરપાલિકાના 13 આરોગ્ય કેન્દ્રો આવેલા છે. આ આરોગ્ય પૈકી 3 નવા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. જ્યારે અન્ય 10 જૂના કેન્દ્રો છે. તેમાં ઓપરેશન થિયેટરની વ્યવસ્થા નથી. આથી શહેરના લોકોને નાના મોટા ઓપરેશન માટે જિલ્લાની સૌથી મોટી સર. ટી. હોસ્પિટલ પર મદાર રાખો પડે છે. હોસ્પિટલમાં દરેક વિભાગ માટેના અલગ ઓપરેશન થિયેટરો અને સાધનો વસાવવામાં આવ્યા છે. રોજના આશરે 25 જેટલા ઓપરેશન કરવામાં આવે છે. નાના મોટા મળીને થતા ઓપરેશન ઉપર સર. ટી. હોસ્પિટલ એક માત્ર આધાર છે. જ્યારે શહેરની વસ્તી 7 લાખ કરતા વધુ છે.
ખાનગી હોસ્પિટલોમાં ઓપરેશન થિયેટરો કેટલા અને શું સ્થિતિ
ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના ચોપડે નોંધાયેલી ખાનગી હોસ્પિટલ અને લેબોરેટરી મળીને કુલ 390 છે, ત્યારે ખાનગી હોસ્પિટલોમાં 64 ઓપરેશન થિયેટરો નોંધાયેલા છે. તેમાં દરેક ઓપરેશન થિયેટરો કાર્યરત નથી તેમ જાણવા મળ્યું છે. ભાવનગરમાં સરકારી હોસ્પિટલ કરતા વધુ ઓપરેશન થિયેટરો ખાનગી હોસ્પિટલોમાં જોવા મળી રહ્યા છે. જેમાં શહેરમાં આવેલી બીમ્સ હોસ્પિટલ, બજરંગદાસ હોસ્પિટલ, HCG હોસ્પિટલોમાં છે. જિલ્લામાં જોઈએ તો મોટી હોસ્પિટલ ખૂબ ઓછી છે પણ જિલ્લામાં આવેલી જિલ્લા પંચાયત અને RDD હેઠળની રેફરલ હોસ્પિટલમાં હજુ જૂના ઓપરેશન થિયેટરો છે.