ચોમાસામાં પડેલા અતિ વરસાદે રાજ્યના અનેક વિસ્તારોમાં ખેતરોના પાકને ભારે નુકસાન કર્યું હતું. જેમાં કમોસમી વરસાદે પાકને ભારે નુકસાન કરતા ખેડૂતોની હાલત કફોડી બની હતી. જેને પગલે રાજય સરકારે ખેડૂતોને ખાસ સહાય વળતર પેકેજની જાહેરાત કરી અને 6800 અને 4000ના સ્લેબમાં ખેડૂતોને સર્વે અનુસાર વળતર ચુકવણું હાથ ધર્યું છે. પરંતુ, અનેક ખેડૂતો એવા છે કે, જેમણે પોતાના ખેતરમાં વાવણી સમયે ખેતી અંગેની લોન લીધી હોય અને જેમાં પાકવીમો લેવો ફરજિયાત હોય ત્યારે આવા ખેડૂતો પાસેથી પાકવીમાની રકમ લીધા બાદ હજુ સુધી તમામ ખેડૂતોને પાકવીમો ના મળતા તેઓ તાકીદે પાકવીમો મળે તેવી માગ કરી રહ્યા છે.
આ વર્ષે ચોમાસામાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોનો પાક મોટાભાગનો નિષ્ફળ ગયો જેથી ખેડૂતો આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા છે. જેથી તાકીદે વીમા કંપની દ્વારા જે ખેડૂતોએ પાકવીમાનું પ્રિમિયમ ભર્યું છે. તેવા ખેડૂતોને યોગ્ય પાકવીમો વહેલી તકે ચુકવવામાં આવે.
ખેડૂતોએ વાવણી સમયે લીધેલી લોનમાં 8 થી 10 હજાર પાકવીમા પેટે ચૂકવ્યા છે, પરંતુ હવે સરકારે આ બાબતે વીમા કંપનીઓએને તાકીદે પાકવીમો ચૂકવી આપવા કહેવું જોઈએ. જો સરકાર આ બાબતે વીમા કંપનીને વિમાની ચુકવણી બાબતે કુણું વલણ અપનાવશે, તો આંદોલન કરવાની ફરજ પડશે.
આ બાબતે જિલ્લા ખેતીવાડી અધિકારીને પુછતા તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ જિલ્લામાંથી 5906 ખેડૂતોએ વળતરની માગ કરી છે. જે પૈકી 3799ખેડૂતોને 4 કરોડ 6 લાખ જેટલી રકમ ચૂકવી દેવામાં આવી છે. જયારે બાકીના ખેડૂતોની વળતર અરજીને ચેક કરવામાં આવી રહી છે અને વહેલી તકે યોગ્ય અને હક્કદાર ખેડૂતોને પાકવિમાની રકમ ચૂકવી દેવામાં આવશે.