ભાવનગર નજીક આવેલા સિહોર, ઘોઘા, પાલિતાણા સહિત અન્ય તાલુકાઓની જમીનમાં અનેક પ્રકારે બાગાયતી ખેતી રાજાશાહી કાળથી થતી આવી છે. જેમાં બોર, જામફળ, દાડમ સાથે જ શિયાળાના આરંભે સિતાફળની ખેતી મહત્વ પૂર્ણ ગણાય છે. ઉલ્લેખનીય છે કે, સિતાફળની દેશ-વિદેશમાં બહોળી માગ હોવાથી પ્રતિ વર્ષ હજારો ટન સીતાફળની નિકાસ કરવામાં આવે છે. પરંતુ, આ વર્ષે જિલ્લામાં ભારે વરસાદ થવાથી સિતાફળનો ફાલ ખરી જતાં માત્ર 30 ટકા જેવું સામાન્ય ઉત્પાદન થયું છે.
હાલમાં સીતાફળની સિઝન ચાલી રહી હોવાથી સિતાફળને ફળ તરીકે ખાવા ઉપરાંત આઈસ્ક્રીમ બનાવવામાં, ઔષધીય ઉપયોગમાં પણ કામ આવે છે. આ વર્ષે ઓછા ઉત્પાદનના કારણે ખેડૂતોને પણ આર્થિક ફટકો પડ્યો છે, તો બીજી તરફ નિકાસ થઈ શકી નથી. સીતાફળનો ઓછો ઉતારો હોવાથી ફળનો ભાવ આસમાને પહોંચ્યો છે. જેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આ વર્ષે સીતાફળ દોહ્યલા બન્યાં છે.
ભાવનગર જિલ્લામાં યોગ્ય હવામાન, શ્રેષ્ઠ જમીનના કારણે સીતાફળમાં અન્ય જિલ્લાની તુલનાએ અલગ જ મિઠાશ હોય છે. તેથી અહીંના સીતાફળની લોક પ્રિયતા સિમાડા ઓળંગીને પરપ્રાંત તથા પરદેશમાં પણ પહોંચી છે.