- કચરાના નામે નીકળતું પૈસાનું કચ્ચરઘાણ
- લાખો રૂપિયાના ખર્ચે ડસ્ટબીનો મુકવામાં આવ્યા
- ડસ્ટબીન માટે ફરી લાખો ખર્ચવામાં આવશે
ભાવનગર : મહાનગરપાલિકામાં ભાજપની સત્તા 22 વરસથી રહી છે. ત્યારે ઓન પક્ષ દ્વારા મહાનગરપાલિકામાં બેસાડવામાં આવતી બોડીની અણઆવડત સામે આવી રહી છે. અઢી વર્ષ પહેલાં શહેરને ડસ્ટબીન ફ્રી સીટી બનાવવા ડસ્ટબીન ઉઠાવી લીધા અને હવે અઢી વર્ષ પછીની આવેલી બોડીએ ડસ્ટબીન ફરી નાખ્યા અને ડસ્ટબીન અંતે કચરામાં ગયા અને લાખોનું પાણી થયું. આખરે પ્રજાના પૈસાના વેડફાટ નહિ તો શું છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના દરેક વોર્ડના મુખ્ય સર્કલ કે, ચોકમાં ભીના સૂકા કચરા માટે ડસ્ટબીન મુકવામાં આવ્યા હતા. ત્યારે જ્યારે ભાવનગરને ડસ્ટબીન ફ્રી સીટી જાહેર કરવામાં આવ્યું હતું. એટલું નહિ નવાઈની વાત એ છે કે, આ ડસ્ટબીન તો શું તેના સળિયા પણ આજે રહ્યા નથી.
ભાવનગરમાં કચરાપેટી ખુદ કચરામાં ગઇ, લોકોના પૈસાનું પાણી ડસ્ટબીન ફ્રી સીટીના દરેક વોર્ડમાં જાહેર રસ્તા પર મુકાયા ડસ્ટબીનભાવનગર મહાનગરપાલિકાના અગાઉના મેયરે શહેરની બધી કચરપેટીઓ ઉઠાવી ઘરે ઘરે ટેમ્પલ બેલ શરૂ કરીને શહેરને ડસ્ટબીન ફ્રી સીટી જાહેર કર્યું અને એમના જ પક્ષના પાંચ વર્ષ નથી થયા ત્યાં નવા આવેલા મેયર અને શાસકની બોડી શહેરમાં ફરી ડસ્ટબીન મૂકે એ પણ જાહેર રસ્તા પર કે જેમાં લોકો સૂકો અને ભીનો કચરો નાખી શકે. ત્યારે હવે પ્રશ્ન એ છે કે, ઘરે ઘરે દુકાને દુકાને કચરો ટેમ્પલ બેલ લેતું હોય તો ડસ્ટબીનની જરૂર શુ ? છતાં પ્રજા સુખાકારીના નામે શહેરમાં લાખો રૂપિયાના ખર્ચે ડસ્ટબીનો મુકવામાં આવ્યા.
ડસ્ટબીન કેટલા મુકાયા કેટલાના ખર્ચે અને હાલમાં સ્થિતિ શુ ?
ભાવનગર મહાનગરપાલિકાએ પ્લાસ્ટિકના ડસ્ટબીન બે કંપનીઓ પાસેથી ખરીદી કરી મુક્યા હતા. જેમાં એક સીંટેક્સ અને નિલકમલ કંપની પાસેથી ખરીદી કરી હતી. લોખંડની એન્ગલમાં બે પેટીઓ એક સ્થળ પર લગાડવાની હતી. સીંટેક્સ કંપની પાસેથી 120 જોડી એટલે કુલ 240 અને નિલકમલ પાસેથી 120 જોડી એટલે 240 આમ મળીને 480 પેટીઓ થાય છે. હવે સીંટેક્સ કંપનીને ફિટિંગ વગર 120 જોડીના 2 લાખ 97 હજાર 360 ચુકવવામાં આવ્યા અને તેમાંથી હાલ કેટલી જોડી સલામત છે, તેની ખબર મનપાના તંત્રને નથી. ત્યારે નિલકમલની 120 જોડી ઇફેક્ટ વાળી એટલે ખાનાખરાબી વાળી આવતા તેને 120 જોડીના ફિટિંગના 3 લાખ,79 હજાર 510 આપવામાં આવ્યા, એટલે કુલ 6 લાખ 76 હજાર 870 ખર્ચવામાં આવ્યા છે. હવે નિલકમલ કંપનીને 120 માંથી 47 જોડી હોવાનું મનપાનું તંત્ર જણાવી રહ્યું છે. એટલે કે, પૈસાનું પાણી થઈ ગયું એ પણ રેન્કિંગમાં આવવા માટે તે સ્પષ્ટ છે.
ડસ્ટબીનમાં હજુ શુ પ્લાન અને શું આ ડસ્ટબીન ફ્રી સીટી કહેવાય
ભાવનગર મનપા ડસ્ટબીનમાં પૈસાનુ પાણી અને ડસ્ટબીન મુકવા છતાં "શહેર ડસ્ટબીન ફ્રી" ત્યારે શાસકોનું કહેવું પડે. અઢી વર્ષે બોડી બદલતાની સાથે નિર્ણયો બદલાય અને સારું ખરાબ અને ખરાબ સારું થાય તેવા ઘાટ ઉભા થયા છે. આગામી દિવસોમાં રેન્કિંગની ટીમ આવવાની હોવાથી હવે નવા ડસ્ટબીન માટે ઓર્ડરો આપવાની વાતો ચાલી રહી છે. જેમાં નવીનતા સાથેના ડસ્ટબીન માટે ફરી લાખો ખર્ચવામાં આવશે. પણ શહેરમાં કચરાના ઢગલા તો દૂર નહીં જ થાય તે નિશ્ચિત છે. કારણ કે, અહીંયા વિપક્ષના આક્ષેપ સચોટ હોય તેવું લાગે છે કે, કોઈને વહીવટ કરતા આવડતું નથી અને પ્રજાના પૈસાનું પાણી થઈ રહ્યું છે.