ભાવનગર જિલ્લાના વરતેજ તાલુકાના કમળેજ ગામે રહેતા માલધારી પરિવારની મહિલા અમુબેન ભગતભાઈ હાડગરડાને પાંચ દિવસ પહેલા તાવ આવતા ભાવનગરના સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવી હતી. ડોક્ટરે તેને તપાસી શંકા જણાતા લોહીના નમૂના લઈને ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતાં, પરંતુ લોહીના રિપોર્ટ પરત આવે તે પહેલાં જ મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પરિવારે મૃતદેહનો કબજો મેળવી અંતિમવિધિ પૂર્ણ કરી હતી, જે દરમિયાન મહિલાના રિપોર્ટમાં કોંગો ફીવર પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું હતું.
ભાવનગરના વરતેજ તાબેના કમળેજ ગામની મહિલાનું કોંગો ફીવરના કારણે મોત નિપજતા જિલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. જિલ્લા સર્વેલન્સ વિભાગે 5 ટીમ બનાવી સમગ્ર ગામમાં સર્વે હાથ ધર્યો છે. મહિલાની નજીકના તેના પરિવાર અને આજુબાજુ મળી કુલ 22 લોકોની તપાસ હાથ ધરતા 2 મહિલાને અસર જણાતા તેને પણ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી. તંત્ર દ્વારા ગામમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. બીજી બાજુ ગામના તમામ માલઢોરની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેમજ સેમ્પલ એકત્ર કરી તેને પણ ભોપાલની લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલી દેવામાં આવ્યા છે.