ભાવનગર : દિવાળી, ધોકો અને નવા વર્ષના દિવસે ભાવનગર શહેરમાં કેટલાક આગ લાગવાના બનાવ સામે આવ્યા છે. જેમાં કચરામાં આગ હોય કે પછી મકાનમાં આગ હોય પરંતુ આ બધા બનાવોમાં કોઈ જાનહાની થવા પામી નથી. દિવાળીના તહેવાર દરમિયાન બનેલી આગ લાગવાની ઘટનાઓના છેલ્લા ત્રણ દિવસના આંકડા સામે આવ્યા છે. ઓછા સ્ટાફ વચ્ચે પણ ફાયર બ્રિગેડ દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મેળવી છે. જોઈએ છેલ્લા ત્રણ દિવસમાં આગ લાગવાના મુખ્ય બનાવોની વિગત.
ભાવનગરમાં આગ લાગવાના બનાવ : દિવાળીના તહેવાર નિમિત્તે આગ લાગવાની ઘટનાઓ ઘટતી હોય છે. કારણ કે ફટાકડા ફોડવા અથવા વીજ સપ્લાયમાં વધઘટને કારણે આગના કિસ્સાઓ ઘટતા હોય છે. ત્યારે ભાવનગર શહેરમાં દિવાળી, ધોકો અને બેસતા વર્ષના દિવસે આગ લાગવાના 48 થી 50 જેટલા કિસ્સા ઘટવા પામ્યા છે. ભાવનગર ફાયર બ્રિગેડ વિભાગના સૂત્રોમાંથી સામે આવ્યું છે કે, ઓછા સ્ટાફ વચ્ચે ફાયર બ્રિગેડની આઠ ફાયર માટેની ગાડી દ્વારા ત્રણ દિવસમાં લાગેલી આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી છે. જોકે, આગ લાગવાના એક પણ કિસ્સામાં કોઈ જાનહાનિનો બનાવ બન્યો નથી, જે આ વર્ષ માટે સારી બાબત છે.
મંડપ સર્વિસના સ્થળે ભયાનક આગ : ભાવનગર શહેરમાં દિવાળીથી લઈને બેસતા વર્ષ સુધીના ત્રણ દિવસમાં લાગેલી આગના કિસ્સાની વાત કરવામાં આવે તો ભાવનગરમાં દિવાળીના દિવસે લાગેલી આગમાં કાળિયાબીડમાં આવેલા મારુતિ આશ્રમ પાસેના મંડપ સર્વિસના સ્થળે આગ ફાયર વિભાગના મતે ખૂબ મોટી હોવાનું કહેવામાં આવ્યું છે. જોકે આ આગ પર આસાનીથી કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
શહેરભરમાં વાહનોમાં આગના બનાવ : દિવાળીના દિવસે વાહનોમાં આગ લાગવાના બનાવ બન્યા હતા. જેમાં ભાવનગર શહેરના સીતારામ ચોક ખાતે એક બાઈક સળગી ઉઠ્યું હતું. ભાવનગર શહેરના ભાજપના કાર્યાલય એટલે કે સર ટી હોસ્પિટલની સામે પણ એક ખાનગી એમ્બ્યુલન્સમાં આગ લાગી હતી. તેમજ જવાહર મેદાનમાં એક ઓડી કારમાં તો ચાવડી ગેટ વિસ્તારમાં એક રિક્ષામાં આગ લાગવાની માહિતી મળી હતી. આ અંગે ફાયર વિભાગ દ્વારા સત્તાવાર જાણકારી આપવામાં આવી છે.
એક જ દિવસમાં 30 આગના બનાવ : ભાવનગર શહેરમાં દિવાળી, ધોકો અને બેસતા વર્ષના દિવસે લાગેલી આગને પગલે ફાયર વિભાગમાંથી માહિતી પૂરી પાડવામાં આવી હતી. જોકે ભાવનગર શહેરમાં દિવાળીના દિવસે જ્યારે ફટાકડા ફૂટી રહ્યા હતા તે દિવસ દરમિયાન એક જ દિવસમાં સવારથી રાત સુધીમાં 31 જેટલા આગ લાગવાની ઘટના સામે આવી છે. બીજા દિવસે ધોકો હોય ત્યારે પણ 6 જેટલા આગના બનાવ બનવા પામ્યા હતા અને નવા વર્ષના શરૂઆતમાં એટલે કે નવા વર્ષે જ ભાવનગર શહેરમાં 8 થી વધારે આગના બનાવો બનવા પામ્યા હતા. આમ ભાવનગર શહેરમાં ત્રણ દિવસ દરમિયાન 48 થી 50 જેટલી આગ લાગવાની ઘટના ઘટવા પામી હતી.