ભાવનગર : ભાવનગર જિલ્લાના પાલીતાણાના કદંબગીરી પર્વત ઉપર આવેલા કમળાઈ માતાજીના સાનિધ્યમાં ગઈકાલે રાત્રે કમળા હોળી પ્રગટાવ્યા બાદ ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં જેલમાંથી છૂટેલા દેવાયત ખવડે પ્રથમ વખત હાજરી આપી લોકોને ડોલાવ્યા હતા. જો કે ડાયરામાં ડોલરનો વરસાદ થતાં વાત વાયુવેગે વહેતી થઈ હતી.
આ પણ વાંચો Devayat Khavad Bail: જેલમુક્તિ બાદ રાણો મોજમાં, 72 દિવસ બાદ ફટકાર્યો ગુજરાતી કવિનો શેર
ડોલર ઉડયા દેવાયત ખવડના ડાયરામાં : આમ તો ખાસ કરીને ડાયરાઓમાં 500 થી લઈને 2000 રૂપિયાની ચલણી નોટો ઊડતી હોય છે. પરંતુ કમળાઈ માતાજીના ડુંગર ઉપર ડાયરામાં દેવાયત ખવડે શબ્દોથી સાહિત્ય રેલાવાની શરૂઆત કરતા ડોલરનો વરસાદ થયો હતો. ખુદ દેવાયત ખવડે પણ ડોલરના વરસાદને લઈને પોતાના મત રજૂ કર્યા હતા. જો કે આ સમગ્ર ડાયરાનો વિડીયો વાયરલ થયો છે.
દેવાયત ખવડ સાથે અન્ય કલાકારોની હાજરી : ભાવનગર જિલ્લાના કમળાઈ માતાજીના ડુંગર ઉપર કમળા હોળી પ્રગટાવ્યા બાદ આખી રાત માટે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. કલાકારોમાં કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી અને જેલમાંથી છૂટેલા દેવાયત ખવડ હાજર રહ્યા હતા. દેવાયત ખવડનો પ્રથમ જેલમાંથી છૂટ્યા પછીનો આ ડાયરો નિહાળવા માટે ડુંગર ઉપર મોટી સંખ્યામાં આસપાસના ગામડાના લોકો પહોંચી ગયા હતા. જનમેદની વચ્ચે ડાયરો આખી રાત ચાલ્યો હતો.
આ પણ વાંચો આજ રાણો રાણાની રીતે ક્રાઈમ બ્રાન્ચમાં થયો હાજર, દેવાયત ખવડએ કરી આગોતરા જામીનની અરજી
દેવાયત ખવડે શું કહ્યું ડાયરામાં : પાલીતાણા કદંબગીરી પર્વત પર કમળાઈ માતાજી 56 શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ છે. કમળાઈ માતાજીના ડુંગરના તળેટી વિસ્તારમાં સિંહ અને દિપડાઓ વસવાટ કરે છે. અને ઉપર માઁ જગદંબાનું મંદિર છે. ત્યારે ડાયરામાં દેવાયત ખવડે કહ્યું હતું કે "જેલમાંથી મુક્ત થઈને આવ્યા હોય ત્યારે વાયડાઈની વાત નહી આવે વ્યવહારની વાત હશે". તેવા શબ્દોનું ઉચ્ચારણ કર્યું હતું. વધુમાં દેવાયત ખવડે કહ્યું હતું કે ડાયરામાં તેને કોઈ ગરીબના ઝૂંપડે તેના માટે કરેલી પ્રાર્થના હશે જેથી આજે તેઓ અહીંયા છે. આ ડાયરો એના શરણમાં અર્પણ કરું છું.