ભાવનગર: શહેરમાં 26 નવેમ્બરના રોજ હાદાનગર વિસ્તારના અનિલ મકવાણા અને ઘુઘો મકવાણા નામના બંને શખ્સો બાઇક પર GIDC પહોંચ્યા હતા. પ્લોટ નંબર 171માં કામ કરતા પપ્પુભાઈ રામદુલેરાભાઈ કોરીને ત્યાંથી ધમકાવી બાઇક પર બેસાડીને અપહરણ કર્યું હતું. જે બાદ પપ્પુભાઈને માથાના ભાગે અને શરીરના ભાગે પાઇપ અને ધોકા વડે ઇજા પહોંચાડી પાકીટની લૂંટ ચલાવી હતી. તેમના પાકીટમાંથી 200 રૂપિયા લૂંટી લીધા બાદ બંને ફરાર થઈ ગયા હતા.
જેમાં ભોગ બનનાર પરપ્રાંતીય પપ્પુભાઈ રામદુલેરા 33 વર્ષનો હતો. તેમજ GIDCમાં રોલિંગ મિલમાં કામ કરતો હતો. તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઉત્તરપ્રદેશના ફૈઝાબાદ જિલ્લાના હૈદરગંજ તાલુકાના કોરા રાઘવપુર ગામનો રહેવાસી હતો. પપ્પુભાઈની હત્યા બાદ ઉત્તપ્રદેશના રહેવાસી તેના સંબંધી શૈલેન્દ્રકુમાર કોરીએ ફરિયાદ નોંધાવ્યા બાદ હાદાનગરના સત્યનારાયણ સોસાયટીના રહેવાસી આરોપી અનિલ ઉર્ફે અનકો મકવાણા અને ઘુઘો મકવાણાની પોલીસે ધરપકડ કરી હતી.
બંને આરોપી સામે ભાવનગર કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. તેની સજા સાથે 8500 રૂપિયાનો દંડ પણ કોર્ટ દ્વારા ફટકારવામાં આવ્યો છે. માત્ર 200 રૂપિયા બાકી હોય અને તેમાં થયેલી હત્યાને પગલે કોર્ટે ચુકાદો આપી એક સંદેશ આપ્યો હતો કે, ગુનાની સજા અચૂક મળે છે.