- પાલીતાણા નગરપાલિકા કચેરી કમ્પાઉન્ડમાં કોંગ્રેસના મેન્ડેટ ફાટ્યા
- શહેર કોંગ્રેસ પ્રમુખ કરણ મોરી મેન્ડેટ જમા કરવા માટે નગરપાલિકા કચેરી જઇ રહ્યા હતા
- એક બે મેન્ડેટને બાદ કરતા તમામ ફાડી નાખ્યા હોવાની સૂત્રો પાસેથી જાણ
ભાવનગર : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થતાની સાથે જ રાજકીય માહોલ ગરમાયો છે. એક બાજુ કોંગ્રેસ દ્વારા હજુ તેમના ઉમેદવારોના નામ ખેંચતાણ વચ્ચે જાહેર કરાયા છે. ત્યારે બીજી બાજુ પાલીતાણામાં કોંગ્રેસ ઉમેદવારોના મેન્ડેટ કોંગ્રેસ પ્રમુખના હાથમાંથી ફાડી નાખતા પાલીતાણાનું રાજકારણ ગરમાયું છે.
ઇસમો દ્વારા કોંગ્રેસના મેન્ડેટ આંચકી લઈ અને ફાડી નાખવામાં આવ્યા
ભાવનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી. ત્યારે કોંગ્રસે ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરી હતી. તેવા સંજોગોમાં પાલીતાણા નગરપાલિકા માટે કોંગ્રેસના તમામ ઉમેદવારોના મેન્ડેટ લઇને પાલીતાણા તાલુકાના પ્રમુખ કરણ મોરી પાલીતાણા નગરપાલિકા કચેરીએ જઇ રહ્યા હતા. ત્યારે જ નગરપાલિકા કચેરી કમ્પાઉન્ડમાં પહોંચતા જ કેટલાક ઇસમો દ્વારા તેમની પાસે રહેલા મેન્ડેટ આંચકી લઈ અને ફાડી નાખવામાં આવ્યા હતા.
કોંગ્રેસના જ નેતા હયાતખાન બલોચને ટિકિટ આપવામાં આવી નથી
જોકે, આ અંગે ઉમેદવાર અને પૂર્વ વિપક્ષ નેતા પ્રવિણભાઈ રાઠોડને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના જ નેતા હયાતખાન બલોચને ટિકિટ આપવામાં આવી નથી. જેના કારણે તેમના દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે. તેમના માણસોને મોકલીને આ કૃત્ય આચરવામાં આવ્યું છે. તેમને જણાવ્યું હતું કે, નગરપાલિકાના CCTV કેમેરા પણ જાણી જોઈને બંધ કરી દેવામાં આવ્યા છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે તેઓ ઉગ્ર આંદોલન સહિતના કાર્યક્રમો કરશે તેવી ચીમકી આપી છે.
મેન્ડેટ ફાટી જવાના કારણે ઉમેદવારોના ફોર્મ રદ્દ થઈ શકે
જે પ્રમાણે કોંગ્રેસના ઉમેદવાર અને પ્રમુખે આક્ષેપ કર્યો છે, તે વાત સાચી હોય તો કોંગ્રેસનો આંતરિક વિખવાદ કોંગ્રેસને હાંસિયા તરફ ધકેલી રહ્યો છે. કારણ કે, હવે મેન્ડેટ ફાટી જવાના કારણે ઉમેદવારોના ફોર્મ રદ્દ થઈ શકે છે. આ અંગે ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, તેમને આ ઘટના અંગે રજૂઆત મળી છે અને ઘટના અંગે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે.