ભાવનગરઃ શહેર યાર્ડના પૂર્વ ચેરમેન અને કોંગ્રેસના આગેવાન ભીખાભાઇ જાજડિયા NCPમાં જોડાઇ તેવી શક્યતા જોવા મળી રહી છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં લાંબા સમય સુધી ચેરમેન રહેનારા ભીખાભાઇ જાજડિયા NCP સાથે જોડાણ કરે તેવા સંકેત સામે આવ્યા છે. જેમાં સ્થાનિક નેતાઓની નારાજગી કારણભૂત હોવાનું મનાઇ રહ્યું છે.
![congress leader Bhikabhai Jajadia](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rgjbvn03paltoavchirag7208680_23012020224915_2301f_1579799955_270.jpg)
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં સીદસર ગામના રહેવાસી અને પાટીદાર સમાજના ભીખાભાઇ જાજડિયા લાંબા સમયથી કોંગ્રેસમાં છે. ત્યારે હાલ આગામી મનપાની ચૂંટણી સમયે રાજકારણમાં પક્ષ પલટાની સ્થિતિઓ ઉભી થતી હોય છે. એવામાં ભીખાભાઇ જાજડિયા પણ કોંગ્રેસને ‘આવજો’ કહે તેવા સંકેત મળ્યા છે. ભીખાભાઇ જાજડિયા ખેડૂત વર્ગમાં મોટું સ્થાન ધરાવે છે અને યાર્ડમાં ચેરમેન લાંબા સમય સુધી રહેલા છે.
શનિવાર 25 તારીખે સીદસર ખાતે આવેલી ભીખાભાઇ જાજડિયાની શાળામાં ખેડૂતો સાથે વાર્તાલાપ ગોઠવવામાં આવ્યો છે. તેમાં મુખ્ય મહેમાન પદે શંકરસિંહ વાઘેલા ઉપસ્થિત રહેવાના છે. ભીખાભાઇ શરદ પવારની મુલાકાત લઈ ચૂક્યા છે. ત્યારે મનપાની ચૂંટણી સમયે NCPનું નેતૃત્વ કરીને ભીખાભાઈ જાજડિયા ચૂંટણીમાં ઉતરે તેવી ચર્ચા જાગી છે.
ભીખાભાઈનો પુત્ર જગદીશ જાજડિયા હાલમાં કોંગ્રેસના નગરસેવક છે. ત્યારે શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં ખેડૂત વાર્તાલાપનો કાર્યક્રમ નવાજુનીના એંધાણ દર્શાવે છે. જો કે, સુત્રો મુજબ જાણવા મળ્યા પ્રમાણે જિલ્લામાં શક્તિસિંહ ગોહિલના નેતૃત્વમાં કોંગ્રેસમાં નારાજગી હોવાથી ભીખાભાઈ NCPમાં જોડાઈ રહ્યા હોવાનું ચર્ચામાં છે.