ભારતમાં મોટાભાગના પરિવારો ડુંગળીનો ઉપયોગ તેમના રોજીંદા જીવનના ખોરાકમાં કરે છે. અગાઉના સમયમાં 5થી 10 રુપયે કિલો મળતી ડુંગળી હાલમાં 80થી 100 રુપિયા કિલોના ભાવે બજારમાં વેંચાઈ રહી છે. જેને લીધે ડુંગળીનો રોજીંદો ઉપયોગ કરવો મુશ્કેલ બની ગયો છે. શાકભાજી કરતાં પણ મોંઘા ભાવની ડુંગળી સામાન્ય માણસની પહોંચથી દૂર જઈ રહી છે, ત્યારે તમામ લોકોને રાહત મળે તેવા સમાચાર આપને જણાવી રહ્યાં છીએ.
ભાવનગર જિલ્લાનું મહુવા ગામ કે જ્યાં દેશના 45 ટકા ડિહાઈડ્રેશન પ્લાન્ટ આવેલા છે. જેમાં ડુંગળીને પ્રોસેસ કરી તેને સુકવી નાખવામાં આવે છે. જ્યારે બજારમાં ડુંગળી સસ્તી મળે ત્યારે મહુવાના વેપારીઓ હજારો ટન ડુંગળીની ખરીદી કરી તેને ડિહાઈડ્રેશન પ્રોસેસ દ્વારા સુકવી નાખે છે. આ પ્રકારની ડિહાઈડ્રેશન કરેલી ડુંગળીને કિબલ ડુંગળી કહે છે.
જેનો વધુ પડતો ઉપયોગ ભારત સહિત વિદેશોમાં મસાલા બનાવતી કંપનીઓ, અન્ય પ્રોડક્ટ માટે તેમજ હોટેલમાં કરવામાં આવે છે. આ સુકી ડુંગળીને ગરમ પાણીમાં માત્ર ત્રણ મિનિટ પલાળી રાખવાથી તે ફરી પોતાનો ઓરીજનલ ટેસ્ટ પ્રાપ્ત કરે છે અને ડુંગળીને વપરાશમાં લઈ શકાય છે. આ કિબલ ડુંગળીનું ચલણ ભારતમાં ખાસ નથી, ત્યારે જો વિદેશની જેમ આપણી સરકાર પણ આ પ્રકારની ડુંગળીના ઉત્પાદન અને વપરાશને પ્રોત્સાહન આપે તો લોકો સસ્તી ડુંગળી કાયમ માટે આરોગી શકે તેમાં કોઈ શંકા નથી.