ભાવનગરઃ શિયાળો હોવા છતાં પણ ભાવનગર પંથકમાં લીલા શાકભાજીના ભાવો આસમાને છે. સામાન્ય રીતે શિયાળામાં નાગરિકો મોટા પ્રમાણમાં શાકભાજી આરોગતા હોય છે. જો કે આ શિયાળામાં શાકભાજીના ભાવો ઉચકાતા ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે.
કિલોએ 20થી 30 રુપિયાનો વધારોઃ સામાન્ય રીતે શિયાળામાં માર્કેટ યાર્ડમાં શાકભાજીની મબલખ આવક થતી હોય છે. જો કે અત્યારે ગોંડલ, રાજકોટ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાંથી આવી રહેલ શાકભાજી બંધ છે. જેનું મુખ્ય કારણ ટ્રક ડ્રાઈવર્સ દ્વારા પાડવામાં આવેલ હડતાળ છે. અત્યારે માર્કેટ યાર્ડમાં શાકભાજીની શોર્ટેજ હોવાથી શાકભાજીના છુટક વેપારીઓ ઊંચી કિંમતે શાકભાજી વેચી રહ્યા છે. દરેક શાકના કિલોએ રુ. 20થી 30નો વધારો જોવા મળી રહ્યો છે. લગ્નગાળાની સીઝન બાદ શાકભાજી સસ્તા થતા હોય છે પણ આ વખતે ટ્રક્સની હડતાળનો માર પ્રજાને પડી રહ્યો છે. આ વર્ષે લગ્નની સીઝન બાદ પણ શાકભાજી કિંમતોમાં ઘટાડો થતો જોવા મળ્યો નથી.
ભાવ વધ્યો હોય તેવા શાકભાજીઃ ભાવનગર પંથકમાં કોબી, ફુલેવર, રીંગણા, ગવાર, ચોળી, ટામેટા, ભીંડા, તુવેર, લીંબુ, વટાણા, તુરીયા, દૂધી એમ લીલા શાકભાજીમાં ભાવ વધારો નોંધાયો છે. આ શાકભાજીમાં કોબીમાં 10, ફુલેવરમાં 35, રીંગણમાં 10, ગવારમાં 30, ચોળીમાં 20, ટામેટામાં 20, ભીંડામાં 20થી 30, તુવેરમાં 20થી 30, લીંબુમાં 10, વટાણામાં 15, તુરીયામાં 10 અને દૂધીમાં 10 રુપિયા જેટલો ભાવ વધારો નોંધાયો છે. સૌથી વધુ ભાવ ગવારના વધ્યા છે. ગવારના જૂના ભાવ કિલોએ 50થી 60 રુપિયા હતા જે વધીને 80થી 100 રુપિયા થયા છે. જ્યારે શાક અને ઓળાના એમ બંને પ્રકારના રીંગણમાં સૌથી ઓછો 10 રુપિયાનો વધારો જોવા મળ્યો છે.