ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે કે જેનું નિર્માણ કાર્ય છેલ્લા 3 વર્ષથી હાથ ધરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના સૌપ્રથમ નેશનલ હાઈવેને સિમેન્ટ કોન્ક્રીટ દ્વારા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 256 કિમી.ના આ માર્ગને રૂ.5000 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવનાર છે.
આ માર્ગ અત્યારસુધીમાં 70% જેટલો બની ગયો છે, જયારે બાકીના 30% ની કામગીરી હાલ ચાલુ છે. પરંતુ હાલ તે મંદ ગતિએ આગળ વધી રહ્યો છે જેનું કારણ છે જમીન સંપાદન નો મામલો અને આર્થિક સંકડામણ, આ માર્ગ બનાવવા માટે જરૂરી જમીન સંપાદન કરી લેવામાં આવી છે. પરંતુ તેની આર્થિક લેવડદેવડ અંગે સરકાર અને જમીન માલિકો વચ્ચે સંપૂર્ણ સમાધાન ના થયું હોય તેમજ વર્ષ 1985માં સંપાદન કરેલી જમીનો માં ખેડૂતો આજની બજાર કીમત અનુસાર રૂપિયાની માગ કરી રહ્યા હોવાથી જેથી આ માર્ગનું કામ ધીમી ગતિએ ચાલુ છે.
આ બાબતે ભાવનગરના સાંસદ ડો.ભારતીબેન દ્વારા લોકસભામાં પણ રજૂઆત કરવામાં આવી હતી. જેની ગંભીર નોંધ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ માર્ગ-પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ પણ લીધી છે અને જેને વર્ષ 2020ના અંત માસ સુધીમાં પૂર્ણ થાય તે દિશામાં કામગીરી હાથ ધરવા જણાવ્યું છે.
હાલ ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે નું કામ 70 % પૂર્ણ થયું છે. જેમાં ભાવનગરથી મહુવા સુધીના માર્ગ પર હાલ રોડ બનાવવા અંગેની કામગીરી શરૂ છે. આ માર્ગ પર મહાકાય પુલનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. મોટાભાગના ગામમાંથી બાયપાસ પસાર થતો આ નેશનલ હાઈવે પર હાલ લોકો અવરજવર કરવાનું વધુ પસંદ કરે છે. જેનું કારણ છે કે હાલનો ભાવનગર-મહુવા સર્વિસ રોડ સાવ ખખડધજ હાલતમાં હોય જેના કારણે અકસ્માતો પણ અવારનવાર સર્જાતા હોય લોકો નવા બની રહેલા આર.સી. સી રોડ પરથી પસાર થાય છે તેમજ સર્વિસ રોડને વહેલી તકે યોગ્ય કરવામાં આવે તેવી માંગ પણ કરી રહ્યા છે.
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે વહેલી તકે પૂર્ણ થઇ અને લોકોના ઉપયોગમાં આવી શકે તે માટે ભાવનગરના સાંસદની લોકસભામાં રજૂઆત રંગ લાવી છે અને હાલ ફરી આ માર્ગ પર ફરી રોલરો -પેવીંગ મશીનો ધમધમી રહ્યા છે.