- ભાવનગરમાં તંત્રની પૂર્વ તૈયારીઓ
- 7 માળના નવા બિલ્ડીંગને પણ કોરોના માટે કરી લીધું હાયર
- લોકોને હાલાકી નહિ ભોગવવી પડે તેવું હાલ થઈ રહ્યું છે પ્રતીત
ભાવનગર: જિલ્લામાં રોજના કેસ 200 સુધી પહોંચતા તંત્ર સાબદું તૈયાર થઈ ગયું છે. રક્તપિત હોસ્પિટલ હાયર કર્યા બાદ હવે સર ટી હોસ્પિટલનું સૌથી મોટું બિલ્ડીંગ કહેવાતા મુખ્ય બિલ્ડીંગને પણ હાયર કરી લેવામાં આવ્યું છે. સાત માળના બિલ્ડિંગમાં કોરોનાના દર્દીઓ માટે 300 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 300 વેન્ટિલેટર પણ ઉપલબ્ધ હશે, એટલે આગામી દિવસોમાં હાલાકી દૂર થાય તેવા તંત્રએ પ્રયાસ કર્યા છે.
આ પણ વાંચો: સર ટી હોસ્પિટલમાં શરદીના લક્ષણોના આધારે દર્દીને ધકેલાય છે કોરોના વોર્ડમાં
કોરોના માટે નવા બિલ્ડીંગને કેમ હાયર કર્યું
ભાવનગર શહેરમાં રોજના 197 સુધી કેસો નોંધાતા હવે તંત્ર પૂર્વ તૈયારીમાં લાગી ગયું છે. સર ટી હોસ્પિટલમાં ટ્રોમાં સેન્ટર હતું અને જૂના બિલ્ડીંગનો કેટલોક ભાગ કોરોના વોર્ડમાં તબદીલ છે, ત્યારે હવે સર ટી હોસ્પિટલે 7 માળના નવા બિલ્ડીંગને પણ કોરોના માટે હાયર કરી લીધું છે. 1થી લઈને 5 માળ સુધી હોસ્પિટલમાં હવે કોરોના દર્દીઓને રાખવામાં આવશે એટલે કે 300 બેડની વ્યવસ્થા વેન્ટિલેટર સાથે શરૂ કરવામાં આવી છે. કોરોના દર્દીઓ માટે હવે હાલાકી ઉભી નહિ થાય તેમ એડમિનિસ્ટ્રેટિવ હાર્દિક ગાઠાણીએ જણાવ્યું છે.
આ પણ વાંચો: ભાવનગરમાં સર ટી હોસ્પિટલમાં 50 ટકા બેડ ખાલી
સામાન્ય OPD સાત માળના બિલ્ડીંગમાંથી ખસેડાઇ
ભાવનગરની સાત માળના બિલ્ડિંગમાં દરેક વિભાગો આવેલા હતા. જેમાં આંખ, કાન, હ્રદય, માનસિક અને સામાન્ય OPD અને ઓપરેશન થિએટર હતું. જે હવે નર્સિંગ હોસ્ટેલની બિલ્ડિંગમાં ફેરવી નાખવામાં આવ્યું છે. કોરોના માટે 7 માળના બિલ્ડીંગને હાયર કરી લેવામાં આવ્યું છે. ભાવનગર તંત્ર દ્વારા તૈયારીઓ પુર જોશમાં છે. એક તરફ રક્તપિતની હોસ્પિટલને 282 બેડ સાથે તૈયાર કરી દેવાઈ છે, ત્યારે હવે 7 માળનું બિલ્ડીંગ પણ ઉભું કરવામાં આવતા આગામી દિવસોમાં લોકોને હાલાકી નહિ ભોગવવી પડે તેવું હાલ પ્રતીત થઈ રહ્યું છે.