ભાવનગર : ભાવનગર શહેરમાં દિવાળીના દિવસથી જ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ત્યારે શહેરમાં ઘરવિહોણા અને ફૂટપાથ પર જીવતા લોકો માટે મહાનગરપાલિકા દ્વારા રેન બસેરાઓ બનાવવામાં આવ્યા છે. રેન બસેરાઓ આધુનિક બનાવવામાં આવ્યા છે. પરંતુ શહેરની સરખામણીમાં રેન બસેરાઓની સંખ્યા અને સ્થળ પણ નિમ્ન છે, ત્યારે આ રેન બસેરાઓની સ્થિતિ કેવી છે જાણો.
શહેરમાં રેન બસેરાઓ કેટલા અને ક્યાં : ઠંડીનું પ્રમાણ વધતાની સાથે જ ઘરવિહોણા લોકો માટે જીવન જીવવું મુશ્કેલ બની જતું હોય છે. રસ્તા ઉપર ફૂટપાથમાં અથવા તો રેલવે સ્ટેશન ઉપર રહેતા ઘરવિહોણા લોકો માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રેન બસેરાઓ બનાવવામાં આવેલા છે. ભાવનગર શહેરના રેલવે સ્ટેશન પાસે એક રેન બસેરા, જ્યારે બીજું સરદારનગર સર્કલમાં તેમજ ત્રીજુ સુભાષનગર અને ચોથું શિવાજી સર્કલમાં રેન બસેરા બનાવવામાં આવેલું છે.
રેન બસેરામાં સ્થિતિ અને સુવિધા શું : ભાવનગર શહેરમાં કુલ ચાર રન બસેરા આવેલા છે તેની સ્થિતિને લઈને મહાનગરપાલિકાના કમિશનર એન વી ઉપાધ્યાયે જણાવ્યું હતું કે શહેરમાં ચાર રેન બસેરાઓ કાર્યરત છે, તેમાં 500 લોકોની ક્ષમતા છે. દરેક રેન બસેરામાં જીવન જરૂરિયાતની દરેક ચીજ વસ્તુઓ ઉપલબ્ધ છે.
આપણે રેન બસેરામાં પલંગ, ગાદલા, ગોદડા,રસોઈ માટે રસોડામાં ચૂલાની પણ વ્યવસ્થા કરી છે. આ સાથે ગરમ પાણીની વ્યવસ્થા છે. ભોજન માટેની સુવિધા સેવાકીય સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવે તો આપણે સ્વીકારીએ છીએ. કપલો માટે અલગ રૂમ આપવામાં આવેલા છે. તેમાં સંખ્યા વધી જાય તો રોટેશન કરીને ફાળવણી થાય છે. દિવાળીમાં હાલમાં જ રેન બસેરાઓમાં ઉજવાઇ છે તેમજ જો બાળકો હોય તો તેને શાળાઓના શિક્ષણની વ્યવસ્થા તેમજ સ્વાસ્થ્યને લઈને કોઈને મેડિકલની જરૂરિયાત હોય તો તેની પણ સુવિધા પૂરી પાડીએ છીએ...એન. વી. ઉપાધ્યાય ( કમિશનર )
રેલવે સ્ટેશન પાસે નવું અત્યાધુનિક રેન બસેરા : ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના ચાર બસેરા આવેલા છે. જેમાં પહેલું સૌથી મોટું રેન બસેરા સરદારનગર મહાનગરપાલિકાના શોપિંગ સેન્ટરમાં આવેલું છે જ્યાં 150ની હાલમાં સંખ્યા છે. જ્યારે બીજું રેલવે સ્ટેશન પાસે નવું અત્યાધુનિક રેન બસેરા બનાવવામાં આવ્યું છે, જેમાં 40 લોકો હાલમાં રેન બસેરામાં સ્થિત છે. રેલવે સ્ટેશન પાસેના રેન બસેેરાની મુલાકાત ઈટીવી ભારતે લીધી હતી. બે મહિના પહેલા બનેલા રેન બસેરામાં દરેક સુવિધાઓ હાલમાં પૂરી પાડવામાં આવતી હોવાનું ફળીભૂત થયું હતું.
જરુરિયાત કરતાં ઓછા રેન બસેરા ? : જો કે ત્રીજું રેન બસેરા સુભાષનગરમાં બનાવવામાં આવેલું છે જેમાં 45ની સંખ્યા હાલમાં છે. જ્યારે શિવાજી સર્કલમાં ચોથા રેન બસેરામાં 60 થી 65 લોકો હાલમાં ત્યાં વસવાટ કરી રહ્યા છે. પરંતુ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રેન બસેરાઓ નથી. દરેક રેન બસેરાઓ પૂર્વ વિસ્તારોમાં આવેલા છે.