ભાવનગર: રેલવે ડિવિઝન કચેરી ભાવનગરમાં હોવા છતાં અન્યાયની છડી વરસાવવામાં આવી છે. તહેવાર નિમિતે ટ્રેનમાં ડબ્બાઓ વધારવામાં આવ્યા છે. તેમ કાયમી ડબ્બાઓ જે ટ્રેનમાં વધ્યા તે ભાવનગરની નથી. તો તહેવાર નિમિતે વધેલા ડબ્બાઓની યાદીમાં કોઈ જનરલ ડબ્બાઓ વધારવામાં આવ્યા નથી. મતલબ સાફ છે ,તેના માટે નબળી નેતાગીરી કારણભૂત છે. ભાવનગરની સૌરાષ્ટ્રની રેલવેની ડિવિઝન કચેરી ભાવનગરમાં હોવા છતાં નવી ટ્રેનો મળી નથી, અને તહેવાર આવતા ડબ્બાઓ વધારવાના નિર્ણયો રેલવે કરતી આવી છે. ત્યારે આ વર્ષે પણ ટ્રેનના વધેલા ડબ્બાઓની યાદીમાં પણ ભાવનગર સાથે અન્યાય સિવાય કશું નથી.
હાલની નવી ડબ્બાની જાહેરાતમાં 13 ટ્રેનોનો સમાવેશ થાય છે. જેમાં ત્રણ ટ્રેનમાં કાયમી ડબ્બાઓ વધાર્યા છે. પણ એ કોઈ ભાવનગરની નહિ પણ પોરબંદરની ટ્રેનો છે. હવે જે ભાવનગરની ટ્રેનમાં ડબ્બાઓ વધાર્યા તે કુલ ચાર ટ્રેન છે. તેમાં અધિકારીઓ ડબ્બાઓ વધારવાના બાબતે વાહ વાહ લૂંટી રહ્યા છે.
ભાવનગરથી ઉપડતી ટ્રેનોમાં ડબ્બાઓ વધારવામાં આવી તેવી ટ્રેનો પર નજર કરીએ તો (1) પાલીતાણા બાંદ્રા છે ,જેમાં બે સેકન્ડ કલાસ કોચ વધારવામાં આવ્યા છે. (2)મહુવા સુરત જેમાં એક સેકન્ડ કલાસ કોચ વધાર્યો છે. (3)ભાવનગર બાંદ્રા જેમાં એક સેકન્ડ કલાસ કોચ વધાર્યો છે. (4) ભાવનગર કોચુવલ્લી જેમ એક થ્રિ ટાયર એસી અને બે સેકન્ડ કલાસ વધાર્યા છે. મુસાફરી કરતા લોકોનું કહેવું છે કે, આ તહેવાર પૂરતા વધારવામાં આવ્યા છે. જયારે ટ્રાફિક રોજ મળે છે. જો કે, જરૂરિયાત મધ્યમ અને ગરીબ વર્ગને ધ્યાનમાં લઈને ચાલવામાં આવે તો જનરલ ડબ્બાઓ ખાસ વધારવા જોઈએ. પરંતુ નબળું રાજકારણ હોવાથી નવી ટ્રેન મળતી નથી. તેમજ તહેવારમાં આવી લોલીપોપ આપવામાં આવે છે.
ભાવનગરમાં ત્રણ ત્રણ પ્રધાનો હોવા છતાં નવી ટ્રેનો લાંબા અંતરની મળતી નથી. અને જરૂરિયાત હોવા છતાં ખાનગી ટ્રાન્સપોર્ટરને ક્યાંક મદદ કરવા માટે પ્રજાની સુવિધાઓ છીનવાતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.