ભાવનગરઃ ભાવનગર જિલ્લો ડુંગળી પકવતો જિલ્લો છે. ડુંગળીનું પીઠું કહેવાતા ભાવનગર જિલ્લામાં ખેડૂતોની ગત વર્ષ કરતા હાલત કફોડી બની ગઈ છે. ડુંગળી કરતા મગફળી કરવામાં રસ ખેડૂતોને લાગ્યો છે. આખરે ભાવ ઘટવા પાછળના કારણો શુ જાણો. કેમ થઈ ગઈ 5 રૂપિયે ડુંગળી કિલો. ગત વર્ષની સરખામણીએ અડધાથી પણ નીચા ભાવ મળતા ખેડૂતો રોષે ભરાયા છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં હાલમાં રોજની 50,000 ગુણીની આવક શરૂ થઈ ગઈ છે. પરંતુ ભાવ 100 થી લઈને 300 ની વચ્ચે જ રહેવા પામ્યા છે.
આ પણ વાંચોઃ પ્રવાસી શિક્ષકોના પગારના ઠાગાઠૈયા, 1લી તારીખે પણ એમના ખિસ્સાખાલી
શું કહે છે ઈન્ચાર્જઃ યાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરી અરવિંદભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે બે થી ત્રણ કારણો છે જેને પગલે ભાવ ગત વર્ષ કરતા અડધા છે. રાજસ્થાન,એમપી અને મહારાષ્ટ્રમાં હાલમાં ડુંગળીનો પાક થયો છે જેથી રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય માંગ નથી ઠંડી અને ધુમસના કારણે એટલે વાતાવરણ ખુલે તો 25 થી 50 રૂપિયા ભાવ વધી શકે. બીજી બાજુ ગુણવત્તા નહીં હોવાથી લેવાલી નથી. આ સાથે ગુજરાતમાં પણ અન્ય જિલ્લાઓમાં બોટાદ,અમરેલી જેવા પંથકમાં ડુંગળીનું વધુ ઉત્પાદન જવાબદાર છે.
વેપારીનો મતઃ ભાવનગર જિલ્લામાં દર વર્ષે ડિસેમ્બર બાદ ડુંગળીની આવક શરૂ થઈ જાય છે. ત્યારે જાન્યુઆરીમાં પણ ડુંગળીને આવક રોજની 50 હજાર ગુણી શરૂ તો થઈ છે. પરંતુ ભાવ નહિ મળવાને પગલે ભાવનગર તાલુકા ભાજપના કિસાન મોરચાના પ્રમુખ અને વ્યાપારી એવા નરેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ડુંગળી શાકભાજીમાં આવતી હોવાને કારણે કોઈ ટેકાના ભાવ તો સરકાર આપતી નથી. પરંતુ સરકારે ડુંગળીને લઈને બનાવેલી એક્સપોર્ટની ડ્યુટી અને તેની પોલીસીને પગલે કંઈક ફેરફાર કરવો જોઈએ જેથી સીધી અસર ખેડૂતના ખીચ્ચા સુધી થાય અને ખેડૂતોને આર્થિક રીતે ફાયદો મળી રહે.
આ પણ વાંચોઃ ભાવનગર RTOમાં ઇન્ટરનેટ ધાંધીયા, લાયસન્સ માટે અરજદારોને "તારીખ પે તારીખ"
ખેડૂતની વાતઃ સમગ્ર દેશમાં ચાલી રહેલી મોંઘવારીની અસર ખેડૂતો ઉપર પણ થતી હોય છે ભાવનગરમાં એક નહીં પણ બે ખેડૂતોએ ETV BHARAT સાથે વાતચીતમાં ખેડૂત ગૌતમભાઈ જણાવ્યું હતું કે યાર્ડમાં હાલ 100 થી 300 રૂપિયા ભાવ મળી રહ્યા છે જે પોસાય તેમ નથી કારણ કે ડુંગળીની કળી,દવા,ખાતર,બિયારણ અને ડુંગળી સોંપવાની મજૂરી અને છેલ્લે ડુંગળી કાઢવાની મજૂરી લાગે છે. ખર્ચના 20 થી 25 ટકા નીકળી રહ્યા છે ઓછામાં ઓછા 400 થી 500 મળવા જોઈએ. હા સરકારે કાંઈક પોલિસી બનાવવી જોઈએ જેથી ભાવ 500 રૂપિયા મળી રહે.
વાવેતર બંધ થશેઃ ભાવનગર જિલ્લાના ડુંગળીના ખેડૂતોને ખેતીમાં ડુંગળીનું વાવેતર બંધ કરીને અન્ય વાવેતર તરફ વળવું પડે તેવી સ્થિતિ છે. જિલ્લાના પાંચપીપળા ગામના અશોકભાઈ ઇટાળીયાએ જણાવ્યું હતું કે તેમને પોતાના ખેતરમાં 20 વિઘા જમીનમાં ડુંગળી કરી હતી. જેમાં 1 વિઘામાં 20 હજાળ જેવો કુલ ખર્ચ કર્યો હતો. હવે હાલમાં 100 થી 200 રૂપિયા ભાવ યાર્ડમાં આવતા 1 વિધે માત્ર 10 હજાર જેવી કિંમત મળી રહી છે. 500 રૂપિયા 20 કિલોએ મળે તો ખેડૂતોને ફાયદો છે. અત્યારે તો યાર્ડમાં "ડુંગળી વહેંચવા ખેડૂતો આવી રહ્યા છે કે વહેચાવા" કહીને કટાક્ષ કર્યો હતો.
આ પણ વાંચોઃ ભાવનગરમાં હિન્દુ સંગઠનોએ અશાંતધારો લાગુ કરવા ઉઠાવી બાંયો, CMના આગમન પહેલા આપ્યું આવેદન
ભાવ નથી મળતાઃ ભાવનગર શહેરમાં છૂટક ડુંગળી હાલમાં 15 થી 20 રૂપિયા કિલો વહેચાતી જોવા મળતી હોય છે. ત્યારે છૂટક ડુંગળીના ભાવમાં ઘટાડો થયો નથી. પરંતુ યાર્ડમાં આવતા જથ્થાબંધ ડુંગળીના ખેડૂતોને માત્ર કિલોએ પાંચ રૂપિયા મળી રહ્યા છે. જેની ચિંતા આજે કોઈને ન હોવાનું ખેડૂતોમાં ચર્ચાઈ રહ્યું છે. ખેડૂતોને ભાવ કેમ ડુંગળીમાં મળતા નથી તેની આજ દિવસ કોઈ સરકારે ચકાસણી કરી નથી. જે જિલ્લામાં ભાવ ખેડૂતને કિલોએ 5 રૂપિયા મળતા હોય તે જ ડુંગળી તે જ જિલ્લાના શહેરમાં કેમ 20 રૂપિયે વહેચાય છે. ત્યારે ડુંગળી આજ ખેડૂતને નહિ ગૃહિણીને પણ રડાવી રહી છે અને વચ્ચેનું નફાનું માખણ કોઈ બીજું ખાઈ રહ્યું છે.