ભાવનગર : ભાવનગર શહેરમાં આવેલા સેન્ટ્રલ સોલ્ટમાં સાફ-સફાઈ કરવા માટે સેફટી ટેન્કમાં ઉતરતા બેને ગેસ ગળતર થતા એકનું મોત થયું છે. પરિવાર દ્વારા દિવાળીના સમયે જ બનેલી ઘટનાને લઈને શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક મહાનગરપાલિકાના વિભાગના સફાઈ કર્મચારી છે. મહાનગરપાલિકા સમગ્ર ઘટનાને લઈને મૃતક બચાવવા ગયો હોવાનું જણાવી રહી છે. પરિવારના એકનો એક કમાતો શખ્સનું મૃત્યુ થતા માંગો મૂકી ન્યાયની માંગણી કરી છે. મૃતદેહ નહીં સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી છે.
CSMCRIમાં સેફટી ટેન્કમાં ઉતરતા એકનું મોત : દિવાળી પર્વ ચાલી રહ્યું છે, ત્યારે ભાવનગરના વાઘાવાડી રોડ ઉપર આવેલા આવેલી CSMCRI સંસ્થાના પટાંગણમાં રહેલી ડ્રેનેજની સેફટી ટેન્કને સાફ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.સીએસએમસીઆરઆઈના સફાઈ કામદાર સુરેશભાઈ ગોરડીયા સેફટી ટેન્કમાં ઉતર્યા હતા. આ સમયે મહાનગરપાલિકાની જેટીંગ ટીમને પણ બોલાવવામાં આવી હતી. સુરેશભાઈને સેફટી ટેન્કમાં ગેસની અસર થતા મહાનગરપાલિકાની આવેલી ટીમના સભ્ય અને સફાઈ કામદાર રાજેશ પરસોતમભાઈ વેગડ તેને બચાવવા માટે સેફટી ટેન્કમાં ઉતર્યા હતાં. જ્યાં તેમને ગેસ ગળતરની અસર થઈ હતી. આથી રાજેશભાઈ અને સુરેશભાઈ બંનેને તાત્કાલિક ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હોવાનું ફાયર વિભાગના અધિકારી પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
કમિશનર દોડી ગયા હોસ્પિટલ : સીએસએમસીઆરઆઈમાં બંને સફાઈ કામદારને ગેસ ગળતર થતા સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સફાઈ કામદાર સંઘથી લઈને મૃતક રાજેશભાઈ વેગડના પરિવાર પહોંચી ગયો હતો. સરકારના નિયમ પ્રમાણે કોઈપણ ગટરમાં સફાઈ કામદારને નહીં ઉતારવાનો નિયમ હોય ત્યારે રાજેશભાઈ વેગડ કઈ રીતે સેફટી ટેન્કમાં ઉતર્યા તેઓ પ્રશ્ન પરિવારે કર્યો હતો. મામલાને લઇને કમિશનર દોડી આવ્યાં હતાં.
સેન્ટ્રલ સોલ્ટ ખાતે સેફટી ટેન્ક માટે જેટિંગ ટીમ વાહન સાથે અમારા માણસો ગયાં હતાં. સેન્ટ્રલ સોલ્ટનો સફાઈ કર્મચારી સેફટી ટેન્કમાં ઉતાર્યો હતો, તેને તકલીફ થતા અમારો કર્મચારી તેને બચાવવા ઉતર્યો હતો, તે માણસ બચી ગયો અને અમારા માણસનું મોત થયું છે. અમે તપાસ કરાવશું અને સરકારી ગાઈડલાઈન મુજબ થતી કાર્યવાહી હાથ ધરવામાં આવશે...એન. વી. ઉપાધ્યાય ( કમિશનર )
ભારતમાં 5 વર્ષમાં અંદાજે કેસો : ગટર લાઇનમાં ઉતારવાને લઈને સરકારની સીધી ગાઈડલાઈન છે કે કોઈએ સફાઈ કર્મચારીને ગટરમાં ઉતારવા નહીં. ત્યારે ભાવનગરના CSMCRIમાં બનેલી ઘટનાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કે સમગ્ર ભારતમાં અંદાજે 2018 થી 2023 સુધીમાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગટરમાં ઉતરવાને કારણે 300થી વધારે સફાઈ કામદારના મૃત્યુ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
મૃતકના પરિવારની માંગ હાલમાં બનેલા બનાવને લઈને મૃતકના સગાભાઈ દીપકભાઈ વેગડે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના નિયમ અનુસાર અમારા ભાઈને કોણે ઉતાર્યો તે અમારો પ્રશ્ન છે. અમારા કુટુંબમાં એક જ કમાનાર વ્યક્તિ હતો. સાત લોકોનો અમારો પરિવાર છે, તેને એક દીકરી અને એક દીકરો 20 વર્ષના છે. સરકાર દ્વારા તેના બાળકને નોકરી આપવામાં આવે અને જેને ઉતાર્યો હતો અમારા ભાઈને તેની સામે કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે, ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારવાના નથી.