ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકાને ભોળી પ્રજા પાસેથી ખિસ્સા કેમ ખાલી કરવા તેની યોજનાઓ બનાવી હોય તેવું પ્રાથમિક રીતે દર્શાઇ રહ્યું છે. શહેરમાં પ્રથમ ટેમ્પલ બેલ ઘરે ઘરેથી કચરો ઉપાડતું હતું અને મફત સેવા આપતું હતું. પરંતુ બેત્રણ વર્ષ બાદ મહાનગરપાલિકાએ હવે તેની કિંમત ટેક્સ સ્વરૂપે લેવાની શરૂઆત કરી છે. એવી દશા થઈ છે કે દસ દસ દિવસ સુધી કચરો લેવા નહીં આવતા ગૃહિણીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે કોમર્શિયલ ક્ષેત્રે ઉપરની મલાઈ માગવામાં આવતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જો કે જાહેરમાં કચરો નાખવાથી મહાનગરપાલિકા એક તરફ દંડ આપી રહી છે તેવામાં જાય તો કહા જાય જેવી સ્થિતિ સર્જાય છે.
મફતની સેવા આપીને થોડા વર્ષમાં ઝીંકયો ટેક્સ : ભાવનગર મહાનગરપાલિકામાં બેઠેલા સત્તાધીશોએ બે ત્રણ વર્ષ પહેલા ઘરે ઘરેથી ટેમ્પલ બેલ દ્વારા કચરો ઉઠાવવાની પહેલ હાથ ધરવામાં આવી. શરૂઆતમાં સૌને આ પ્રથા સારી લાગી અને શહેરમાંથી જાહેરમાં કચરાના પોઇન્ટ ઉઠાવી લેવામાં આવ્યા. જો કે ધીરે ધીરે મહાનગરપાલિકાએ બે વર્ષ બાદ હવે 200 રૂપિયા અને કોમર્શિયલ ક્ષેત્રના વાર્ષિક 600 રૂપિયા ટેક્સ ઝીંકી દીધો છે. પૈસા લેવાની શરૂઆત થતાં જ ટેમ્પલ બેલની સુવિધામાં પણ ધાંધિયા જીકવાની શરૂઆત થઈ ગઈ છે. મફતમાં અપાયેલી સેવા હવે ક્યાંક પ્રજાજનોને ભારે પડી રહી છે.
10 દિવસ સુધી ટેમ્પલ બેલ આવતા નથી : ભાવનગર મહાનગરપાલિકામાં હાલમાં જ નવા મેયરની નિમણૂક થઈ છે. પરંતુ પૂર્વ મેયર કિર્તીબેન દાણીધારીયાનો વોર્ડ એટલે ચિત્રા ફુલસર વોર્ડમાં ટેમ્પલ બેલના ધાંધીયા નવા મેયર નિમાવાની સાથે શરૂઆત થઈ ગઈ છે. દેસાઈનગર વિસ્તારમાં ટેમ્પલ બેલના ધાંધિયાને લઈને ગૃહિણીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. શકુંતલાબેને જણાવ્યું હતું કે અમારે છેલ્લા 10 દિવસથી ટેમ્પલ બેલ વાળો કચરો લેવા આવતો નથી. 200 રૂપિયા જેવો ટેક્સ પણ અમે આપવાની શરૂઆત કરી દીધી છે. જો કચરો લેવામાં ન આવે તો શું અમારા ઘરને અમારે કચરાપેટી બનાવી. આ જવાબદારી મહાનગરપાલિકાની છે. દેસાઈનગરના ગાયત્રીનગરમાં રહેતા છાયાબેને જણાવ્યું હતું કે અમારે કચરાનો પ્રોબ્લેમ દિવાળી પહેલાંનો છે. અનિયમિત રહે છે. આવતા નથી આગળ પાછળ સોસાયટીમાં ઘરે ઘરે જઈને બોલાવે છે અમે દિવાળીની બોણી પણ કરાવી હતી. અમારે ઘરમાં કચરાના ઢગ પડ્યા હોય તેની વ્યવસ્થા શું કરવી?
કોમર્શિયલ ક્ષેત્ર ઉપરની મલાઈનો આક્ષેપ : ભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં ગાયત્રી સોસાયટી, ગુરુનગર, કૃષિરાજનગર, સ્વામિનારાયણ નગર વગેરે જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. ત્યારે રસ્તા ઉપર આવેલા કોમર્શિયલ ક્ષેત્રમાં પણ કચરાને લઈને ઉપરની મલાઈ માંગવામાં આવતા હોવાનો આક્ષેપ થયો છે. શોરૂમમાં ફરજ બજાવતા જયેશ શર્માએ જણાવ્યું હતું કે ના એવી કોઈ ગાડી આવતી નથી. એક ગાડી આવે છે તેને દર મહિને 500 રૂપિયા આપીએ છીએ. કઈ ગાડી છે મને કઈ આઈડિયા નથી. દર મહિને 500 લઈ જાય છે. પૈસા ના આપો તો નહીં રોકાતા. મહાનગરપાલિકાના 600 ટેક્સ ઉપરના 500 આપીએ છીએ.
ટેમ્પલ બેલવાળા આવતા નથી. આજુબાજુમાં નીકળે નહીંતર અમે કોમન પ્લોટમાં કચરો નાખશું અને નહિતર અમે મહાનગરપાલિકાએ આવીને કચરો લઈને ત્યાં ઢગલો કરીએ. અહીંયા સિનિયર સિટીઝન લોકો રહે છે. બોલાવે તોય ઉભા રહેતા નથી. હવે તો 200 રૂપિયા ટેક્સમાં વધારો કર્યો છે હવે ટેક્સના પૈસા નહીં લેવાના તમારે. અમને ટેમ્પલ બેલની વ્યવસ્થા કરી આપો અથવા કચરાની વ્યવસ્થા કરો...સુશીલાબેન (ગૃહિણી)
અધિકારીએ શું આપ્યો જવાબ : ભાવનગર શહેરમાં ટેમ્પલ બેલને લઈને અનેક ફરિયાદો ઉઠતી હોય છે ત્યારે સોલિડવેસ્ટના અધિકારી એફ એમ શાહ સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે ભાવનગર શહેરના તમામ વિસ્તારો સોલીડવેસ્ટ વિભાગની ડોર ટુ ડોર સેવા હેઠળ આવે છે.
હાલમાં 131 જેટલા ટેમ્પલ બેલ કાર્યરત છે અને 6200 જેટલા પીઓઆઇ એટલે કે પોઇન્ટ ઓફ ઇન્કવેસ્ટ મોટી સંખ્યામાં છે અને મોટો વિસ્તાર છે. જો કે લોકેશન નક્કી થતા હોય છે પરંતુ ક્યાંક સ્થાનિક પરિસ્થિતિ અને વાહનોના કારણે છૂટતું હોય છે, તેની ફરિયાદો મળતી હોય છે. વોટ્સએપ મારફત, વોર્ડના એસઆઈ મારફત, પદાધિકારીઓ મારફત અને વેબસાઈટ ઉપર આવતી ફરિયાદો પ્રમાણે નિકાલ થાય છે. નવાગામ ભળેલા હોય એટલે વધુ 50 વાહનો ખરીદવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. વાર્ષિક ખર્ચ 11 કરોડ થવા જાય છે તેમાં પણ નવો સુધારો કરીને નવી એજન્સી માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે. જો કે ઉપરના પૈસા લેવા બાબતે અધિકારીએ કહ્યું હતું કે આ બાબતે અમને માહિતી મળી નથી પણ આ બાબતે કશું સામે આવશે તો એજન્સી સામે કાર્યવાહી થશે...એફ એમ શાહ ( સોલિડવેસ્ટ અધિકારી )
ભરેલાં ટેમ્પલ બેલમાં કચરો કેવી રીતે નાંખવો આ સમાચાર લખાય છે ત્યારે જ 15 દિવસે ટેમ્પલ બેલવાળો ગાયત્રી સોસાયટી વિસ્તારમાં દોડી આવ્યો હતો.પરંતુ તેમાં પણ ટેમ્પલ બેલ ફુલ ભરેલો હોવાથી મહિલાઓ દ્વારા ટેમ્પલ બેલ રોકી દેવામાં આવ્યું હતું અને જવાબદાર અધિકારીને બોલાવીને ફરિયાદ કરવામાં આવી હતી કે ભરેલા ટેમ્પલ બેલમાં ક્યાં કચરો નાખવો. એક તો 15 દિવસે આવ્યો છે. જો કે આમ છતાં પણ કચરો લઈ જવા માટે ટેમ્પલ બેલ અસમર્થ રહ્યું હતું. જો કે મોડી રાત્રે ટેમ્પલ બેલ ફરી આવીને કચરો લઈ ગયું હતું.પરંતુ ટેમ્પલબેલ ખખડધજ હોવાથી બંધ પડતા ધક્કા મારવાની ફરજ પડી હતી.