ભાવનગર: શહેર અને જિલ્લાના પ્રમુખોના રાજીનામાં ભાજપમાં આપી દેવામાં આવતા લોકોમાં ચર્ચા જાગી છે. રાજીવ પંડ્યા શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખ મુકેશ લંગાળીયાએ રાજીનામુ ધરી દીધું છે. શું આપ્યા કારણો જાણવાની સાથે કેટલાક બીજા નામ પણ ચર્ચામાં છે.
કારણો અંગત: ગુજરાતમાં અગાવ શહેરોમાં થોડા સમય પહેલા શહેર જિલ્લા પ્રમુખોના લેવાઈ ગયેલા રાજીનામાં બાદ ફરી સૌરાષ્ટ્રમાં પણ રાજીનામાઓ ધરી દેવાયા છે. ભાવનગર,બોટાદ જિલ્લા અને શહેર પ્રમુખોએ રાજીનામાં ધરી દીધા છે. જો કે પ્રમુખો કારણો અંગત દર્શાવી રહ્યા છે. આ મામલે કેટલાક રાજકીય પાસાઓ ઉપર પણ ચર્ચા થઈ રહી છે.
શુ આપ્યું કારણ: ભાવનગર શહેરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ પક્ષ દ્વારા શહેર અને જિલ્લાના પ્રમુખો બદલીને નવા પ્રમુખો નિમિને નવી રણનીતિ ઘડી હતી. ત્યારે હવે 2024 નજીક આવી રહી છે. ફરી ભાવનગરમાં શહેર પ્રમુખે રાજીનામુ ધરી દીધું છે. શહેર પ્રમુખ રાજીવ પંડ્યાએ જણાવ્યું હતું કે, તેમના પત્ની ધારાસભ્ય હોય અને પોતે શહેર પ્રમુખ હોવાથી બંને તરફ ધ્યાન નહીં આપી શકવાને કારણે રાજીનામું આપ્યું છે. જો કે આ કારણ રાજીવભાઈ પંડ્યાએ પોતાનું અંગત દર્શાવ્યું હતું.
પ્રમુખોએ રાજીનામાં આપ્યા: ભાવનગર જિલ્લાના ભાજપના પ્રમુખ મુકેશ લંગાળીયા પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા નીમવામાં આવ્યા હતા. ભાવનગર શહેર પ્રમુખ સાથે સંપર્ક થઈ શક્યો ન હતો. જિલ્લાના પ્રમુખ મુકેશ લંગાળીયાએ પણ રાજીનામું ધરી દીધું છે. જો કે પ્રમુખ મુકેશ લંગાળીયા સાથે સંપર્ક થઈ શક્યો ન હતો. પરંતુ ભાજપના ઉપપ્રમુખ ભુપતભાઈ બારૈયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ભાવનગર,બોટાદ, મહેસાણા જેવા અનેક શહેરોમાં પ્રમુખોએ રાજીનામાં આપ્યા છે. જેના ભાગરૂપે ભાવનગર જિલ્લાના પ્રમુખ મુકેશભાઈ પણ રાજીનામું આપ્યું છે.
લોકોમાં અટકળો: ભાવનગર શહેરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં નિમવામાં આવેલા પ્રમુખો પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર ત્રિવેદીના અનુયાયી હોવાનું માનવામાં આવતું હતું. ત્યારે ભાવનગરમાં ધારાસભ્ય વચ્ચેના પક્ષોની આંતરિક લડાઈ ચાલતી હોવાની વાત લોકમુખે ચર્ચાતી રહી છે. હાલમાં ફરી 2024 ના લોકસભાના ચૂંટણી પહેલા અચાનક શહેર અને જિલ્લા પ્રમુખોના રાજીનામાને લઈને ફરી લોકોમાં અટકણો શરૂ થઈ છે. આગામી દિવસોમાં ભાવનગરમાં કયા પક્ષનો વ્યક્તિ સંગઠનમાં સ્થાન પામશે તેની ચર્ચાએ જોર પકડ્યું છે.