ભાવનગર : અમદાવાદ ધોલેરા શોર્ટ રૂટ બંધ કરવામાં આવી રહ્યો છે. 7 માસથી વધુના સમય માટે અમદાવાદ ધોલેરા શોર્ટ રૂટ હાઇવે બંધ કરાયો છે. અમદાવાદ કલેકટર દ્વારા 14 એપ્રિલથી 12 ડિસેમ્બર 2023 સુધી હાઈવેની ચાલતી કામગીરી પગલે બંધ કરવામાં આવ્યો છે. સ્થાનિક નાગરિકોએ ઇંધણ ખર્ચ વધવાને પગલે સરકાર અને તંત્રને વિકલ્પ માટે વિચારણા કરવા માંગ કરી છે.
નાગરિકોની અપીલ : ભાવનગર ધોલેરા અમદાવાદ શોર્ટ રૂટ હાઇવે સાત મહિના માટે બંધ કરી દેવામાં આવ્યો છે. હાઇવેની ચાલતી કામગીરીને પગલે અમદાવાદ કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડીને રસ્તો બંધ કર્યો હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ફોજદારી ગુનો લાગુ કરવાનું પણ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે. પરંતુ ભાવનગરવાસીઓને સાત મહિના સુધી ઇંધણમાં લાખોના ખર્ચનો વધારો થવાનો છે, ત્યારે વિકલ્પ મળે તે બાબતે સરકાર અને તંત્રએ વિચારવુ જોઈએ તેમ નાગરિકો અપીલ કરીને જણાવી રહ્યા છે.
જાહેરનામામાં વિગતો શું છે : ભાવનગરનો અમદાવાદ સાથેનો શોર્ટ રૂટ એટલે ભાવનગર અધેલાઇ, ધોલેરા, પીપળી અને બગોદરા થઈને અમદાવાદ જવાય છે. પરંતુ અમદાવાદ કલેક્ટર સુધીર પટેલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે 14 એપ્રિલથી લઈને 12 ડિસેમ્બર સુધી આ હાઇવે બંધ કરવામાં આવે છે. હાઇવેની ચાલતી કામગીરીને પગલે આ રસ્તો બંધ કરાયો છે. હાઈવેની ચાલતી કામગીરીને કારણે સાત મહિના સુધી હાઇવેના બંધ કરવામાં આવ્યો છે. જેથી ભાવનગરથી અમદાવાદ, વડોદરા, સુરત જનાર લોકોને વલભીપુર માર્ગ પર ચાલવા જણાવવામાં આવ્યું છે.
અમદાવાદ,વડોદરા તરફ જવા માટે કયો માર્ગ : ભાવનગરથી અમદાવાદ કે વડોદરા જતા લોકોને હવે લાંબો માર્ગ પસંદ કરવો પડશે. કારણ કે ધોલેરા હાઇવે બંધ થવાથી વલભીપુર થઈને અમદાવાદ અથવા તો વડોદરા તરફ જવા માટે 35 થી 40 કિલોમીટરમાં વધારો થવાનો છે. હવે માર્ગ જોઈએ તો અમદાવાદ જવા માટે ભાવનગરથી વલભીપુર, વલભીપુરથી ધંધૂકા, ધંધૂકાથી બગોદરા અને બગોદરાથી અમદાવાદ જઈ શકાશે. જ્યારે વડોદરા જવા માટે કે સુરત તરફ જવા માટે લોકોને ભાવનગરથી વલભીપુર, વલભીપુરથી ધંધૂકા, ધંધુકાથી ફેદરા, ફેદરાથી પીપળી અને પીપળીથી વટામણ ચોકડી થઈને વડોદરા અને સુરત જઈ શકશે.
આ પણ વાંચો Bhavnagar Alang: અલંગમાં આવશે અગસ્તા-2 વિવાદાસ્પદ જહાજ, હથિયારોની તસ્કરીમાં સંડોવાયેલું હોવાની ચર્ચા
ઇંધણ અને સમયમાં થશે વધારો : અમદાવાદ હાઈવે બંધ થવાને કારણે ભાવનગરવાસીઓને લાખોના ઇંધણમાં વધારો થવાનો છે. અમદાવાદ જવા માટે અથવા તો વડોદરા તરફ જવા માટે ભાવેણાવાસીઓને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધવાનો છે. ત્યારે ભાવનગર સ્થાનિક નાગરિક જે બી ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાવનગર થી અધેલાઈ સુધી હાઇવેનું કામ ચાલ્યું ત્યાં સુધી ડાઈવર્ઝન એ જ માર્ગ ઉપર આપવામાં આવ્યો હતો. જ્યારે અમદાવાદ જિલ્લામાં કામગીરી શરૂ થતા ડાયવર્ઝન આપવા વિકલ્પ શોધવો જોઈએ સીધો રસ્તો બંધ કરવાથી ભાવનગરન,અમરેલી તેમજ વેરાવળ તરફથી આવતા લોકોને ઇંધણમાં અને ખર્ચમાં વધારો થશે. આથી સરકાર અને તંત્રએ આ બાબતે જરૂર વિચારવું જોઈએ અને શક્ય બને તો વિકલ્પ શોધવો જોઈએ.