ભાવનગર : સંસદમાંથી વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરવાના પગલે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા શહેરના કલેકટર કચેરી ખાતે ધરણાનું આયોજન કર્યું હતું. કોંગ્રેસ નેતાઓ હાથમાં પોસ્ટર લઈને ધરણા ઉપર બેઠાં હતાં. કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોએ કેન્દ્રની મોદી સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થળ ઉપર પોલીસ પણ હાજર રહી હતી. અંતમાં કાર્યકર અને નેતાઓની અટકાયત થઈ હતી. કોંગ્રેસના જૂના ચહેરાએ કાર્યક્રમ પાર પાડ્યો હતો.
વિપક્ષ સાંસદોને સસ્પેન્ડ કરવા મુદ્દે વિરોધ : ભાવનગર શહેરમાં કોંગ્રેસ દ્વારા સમયાંતરે વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે. ત્યારે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા શહેરમાં કલેકટર કચેરીએ ધરણા કરવાનો કાર્યક્રમ આપ્યો હતો. પૂર્વ શહેર પ્રમુખ ડી. બી. રાણીગાની ઉપસ્થિતિમાં ઉપપ્રમુખો અને કાર્યકરો ધરણા ઉપર બેઠાં હતાં. હાથમાં પોસ્ટર લઈને કેન્દ્ર સરકારની સામે પ્રહારો કર્યા હતાં. કલેકટર કચેરી બહાર ધરણાથી પોલીસ પણ સ્થળ ઉપર ઉપસ્થિત રહી હતી અને મસમોટો પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો.
કોંગ્રેસે રોડ રોકતા પોલીસ કાર્યવાહી : ભાવનગર કલેકટર કચેરીએ કોંગ્રેસે ધરણા કર્યા બાદ પોસ્ટરો સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ દરમ્યાન પોલીસે અટકાયત કરતા કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ રસ્તા વચ્ચે આવીને સુઈ જતા પોલીસે કાર્યવાહી કરી હતી. કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન પણ કરવામાં આવ્યું હતું. પોલીસે સ્થળ ઉપર હાજર હોવાથી દરેક નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી. વિપક્ષના સાંસદોને જે રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેને લઈને કેન્દ્ર સરકાર સામે કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા હતાં.
જૂના ચહેરાઓની સુકાની ચર્ચા બની : ભાવનગર શહેરમાં કોંગ્રેસ દ્વારા જ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ ઘડવામાં આવ્યો અને કાર્યક્રમમાં શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણીની ગેરહાજરી જોવા મળી હતી. ત્યારબાદ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા પણ કોઇ કારણે નજરે પડતાં નહોતા, ત્યારે વિરોધ પક્ષના પૂર્વ નેતા રહેલા જયદીપસિંહ ગોહિલ પણ નજરે પડતા નહોતાં. પરંતુ વિરોધ પ્રદર્શનમાં પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ ડી બી રાણીગાની આગેવાનીમાં સમગ્ર કાર્યક્રમ ઘડાયો હોય તેવું લાગી રહ્યું હતું. આમ લોકસભાની ચૂંટણી નજીક આવતા કોંગ્રેસમાં પણ હલચલ હોવાનું નજરે પડતું હતું. આગામી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસમાં આગામી સમયમાં શહેર પ્રમુખમાં પણ ફેરફાર થઈ શકે છે, તેવામાં વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં જ અલગ ચહેરાઓ સામે આવતા અટકળો વધી ગઈ છે.