ભાવનગર : ભાવનગર શહેરના શિવાજી સર્કલ પાસે આવેલા 14 નાળા નજીક આવેલા મફતનગરને લઈને મહાનગરપાલિકા અંતિમ નોટિસ પાઠવી દીધી છે. મહાનગરપાલિકાએ 15 દિવસમાં વિસ્તાર ખાલી કરવા માટે જણાવી દીધું છે. જો કે ગરીબોને લઈને રાજકીય પક્ષો હંમેશાં રાજકારણ કરતા આવ્યા છે. ત્યારે પ્રથમ નોટીસે પણ ગરીબોની સાથે રહેલી કોંગ્રેસ અને શાસકમાં રહેલ ભાજપ આ મામલે હવે પોતાના મતો રજૂ કરી રહ્યા છે. ત્યારે આ બંને અને મહાનગરપાલિકા શું કહે છે તે જાણીએ.
14 નાળા મફતનગર મામલો શું છે : ભાવનગર મહાનગરપાલિકા 14 નાળા પાસે આવેલા મફતનગરના પોતાના છ પ્લોટને લઈને 260 મુજબ નોટિસ પાઠવી હતી. આથી મફતનગરના રહીશો દ્વારા વિરોધ વ્યક્ત કરીને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માંગ કરી હતી. જ્યારે કોંગ્રેસના ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ મફતનગરની મુલાકાત લઈને સરકારને સાણસામા લેવાનો પ્રયાસ કર્યો હતો. આમ છતાં પણ ભાવનગર મહાનગરપાલિકા અડગ રહી હતી. ત્યારે સ્થાનિકો હાઇકોર્ટમાં પહોંચ્યાં હતાં. જોકે હાઇકોર્ટે રાહત ન આપતાં ત્યાંથી મળેલી નિરાશા બાદ મહાનગરપાલિકા પોતાની કામગીરીનો આગળ ધપાવી રહી છે.
મફતનગરની જમીનની કિંમત અને કેટલા મકાનો : ભાવનગરના 14 નાળાના મફતનગરની કુલ જગ્યામાં 145 જેટલા મકાનો ઊભા કરી લેવામાં આવ્યા છે. જો કે આ જગ્યા મહાનગરપાલિકાના કુલ 6 પ્લોટની છે. જેની બજાર કિંમત આશરે 40 થી 50 કરોડ જેવી થવા જાય છે. ત્યારે મહાનગર પાલિકાએ 260/2 મુજબ જગ્યા ખાલી કરવા માટે નોટિસ પાઠવી હતી.
ભાજપે વિકાસની વાત કરી : સમગ્ર મામલે ભાજપના શહેર પ્રમુખ અભય ચૌહાણે જણાવ્યું હતું કે આ બાબત આમ તો કોર્ટમાં ગઈ હતી અને નામદાર કોર્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
કોર્ટનો નિર્ણય બંને પક્ષોએ તેને માન્ય રાખવો પડે. જો કે મહાનગરપાલિકાનો વિષય છે પરંતુ પક્ષ તરફથી હું એ જ કહીશ કે સૌનો સાથ સૌનો વિકાસ થવો જોઈએ. સરકારના અનેક આવાસો છે તેમાં આ પ્રકારના ગરીબ હોય તો તેને લાભ જરૂર લેવો જોઈએ...અભય ચૌહાણ (પ્રમુખ,શહેર ભાજપ,ભાવનગર)
કોંગ્રેસ મફતનગર મામલે શું કહે છે : ભાવનગર 14 નાળા મફતનગરને લઈને શરૂઆતમાં પડખે ચડેલી કોંગ્રેસના શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે હંમેશા અમે ગરીબોની સાથે રહ્યા છીએ. અમે કમિશનરને પણ રજૂઆત કરી હતી કે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો. પરંતુ ત્યારબાદ જે સ્થાનિક ભાજપના આગેવાનો તેમની સાથે રહ્યા. જેનું પરિણામ હવે આ આવ્યું છે કે દબાણ હટાવવા માટે નોટિસ પાઠવી દેવામાં આવી છે.
અમે હજી પણ સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે આવાસો આપવામાં આવે કહીએ છીએ પરંતુ અમારે તો આવાસો સામે પણ પ્રશ્ન છે કે તેમાં પણ સાચા લાભાર્થીઓને લાભ મળ્યો નથી...પ્રકાશ વાઘાણી(પ્રમુખ,શહેર કોંગ્રેસ,ભાવનગર)
પંદર દિવસની મહોલત આપી : જો કે હાઇકોર્ટમાં ગયેલા સ્થાનિકો દ્વારા કોર્ટમાં પોતાનો પક્ષ મુકતા મહાનગરપાલિકાના પક્ષમાં નિર્ણય થતા મહાનગરપાલિકાને દરેકને સાંભળવા જણાવ્યું હતું. આથી મહાનગરપાલિકાએ સ્થાનિકોને સાંભળ્યા હતાં. સ્થાનિકો દ્વારા જમીન ખરીદી કરવા માટે જંત્રી પ્રમાણે પણ તૈયારી બતાવી હતી. આમ છતાં પણ મહાનગરપાલિકાએ હવે પંદર દિવસની માત્ર મહોલત આપી છે.