આજે દેશભરમાં ગાંધીજીની 150મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ગાંધીજીના સ્વચ્છતા સંદેશને સાકાર કરવા વડાપ્રધાન દ્વારા ગાંધીજીના સ્વપ્નની ભેટ દેશને આપવાના અડગ નિર્ધાર સાથે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું છે. જેમાં, ખાસ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધના અભિયાનને વેગ આપવા આજે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમા ભાવનગરના મેયર મનહરભાઈ મોરી, કમિશ્નર એમ.એ.ગાંધી અને કલેકટર ગૌરાંગ મકવાણા સહીતના અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા હતા. સ્વચ્છતા અભિયાનમાં NCCના કેડેટ્સ અને અન્ય સંસ્થાઓ પણ જોડાઈ હતી.
શહેરના રૂપમ ચોક ખાતેથી તમામ 13 વોર્ડમાં સફાઈ અભિયાન અને સાથે-સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારતના અભિયાન સાથે રસ્તા પરના પ્લાસ્ટીકનો કચરો ઉપાડવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં કલેકટર, કમિશનર, મેયર સહિતના મહાનુભાવો પણ આ અભીયાનમાં જોડાઈ પ્લાસ્ટિકનો કચરો ઉપાડ્યો હતો.
વડાપ્રધાને અઠવાડિયામાં બે કલાક શ્રમદાનની અપીલ કરી હતી, ત્યારે તેને સાર્થક કરવા નિયમિત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે અને તેમાં મહાનુભાવો સહિતના લોકો શ્રમદાન કરશે તેમ પણ જણાવ્યું હતું.