ભાવનગરઃ શહેરમાં મહાનગરપાલિકાના કમિશનર સવાર સવારમાં શહેરની મુખ્ય શાક માર્કેટમાં પહોંચી ગયા હતા. તેના કારણે લારીઓવાળા ઉંધી પૂંછડીએ ભાગ્યા હતા. સાથે જ પાર્કિંગની સમસ્યા ધરાવતા અને નાગરિકોને પડતી સૌથી વધુ હાલાકીવાળા વિસ્તારમાં બૂલડોઝર પણ ફેરવવામાં આવ્યું હતું. જોકે, સ્ટેવાળી કેબીનોનું શું? જોકે, તેનો જવાબ પણ કમિશનરે આપ્યો હતો. પરંતુ કમિશનરની એક્શનથી કયા વિસ્તારમાં રિએક્શન આવ્યું જોઈએ.
કમિશનરે કર્યો ઈલાજઃ શહેરીજનોને શહેરની મુખ્ય શાક માર્કેટમાં જવાનું કહીએ એટલે તેઓ જરૂર માથું ખંજવાળે છે. આખરે તેવું કેમ તો તેની પાછળનું કારણ છે. અહીં ખડકાયેલા દબાણો. ત્યારે ભાવનગર કમિશનરે વહેલી સવારમાં આ સમસ્યા હલ કરી નાખી છે.
ગુલાબી ઠંડીમાં ઠંડા કલેજે દબાણ હટાવાયાઃ શહેરમાં અને જિલ્લામાં હાલ ગુલાબી ઠંડીનો માહોલ જામેલો છે. ગુલાબી ઠંડીની મજા ક્યાંક કમિશનર મહાનગરપાલિકાના કર્મચારી અને અધિકારીઓને આપી રહ્યા છે. બજારમાં શાક માર્કેટમાં જવાનું નામ ઘરમાં પડતા ભાવેણાવાસીઓનું મગજ ક્યાં પાર્કિંગ કરીશ તે બાજૂ દોડવા લાગે છે. હાં, જ્યાં ત્યાં મૂકીએ તો વાહન ટોઈંગ કરીને ટ્રાફિક પોલીસ લઈ જાય છે અને પાર્કિંગની જગ્યામાં કેબીનો અને લારીઓ ખડકાયેલી હોય છે. ત્યારે હવે ગુલાબી ઠંડીમાં કમિશનરે પાર્કિંગની જગ્યાઓ ખાલી કરાવી છે. આ સમાચાર માત્રથી ભાવેણાવાસીઓના મન હળવા જરૂર થશે.
સવારમાં કમિશનર ત્રાટકતા લારીવાળા ભાગ્યાઃ ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એન. વી. ઉપધ્યાયે ગુલાબી ઠંડીમાં શહેરના રૂપમ ચોક, હેવમોર ચોક અને બાદમાં શાક માર્કેટમાં દબાણો હટાવ્યા હતા. જેસીબી અને ક્રેઇન સાથે કેબીનો, લારીઓ ઉઠવવામાં આવી હતી. જોકે, કેટલી કેબિન, લારીઓ ઉઠાવતા અનેક લારીવાળા ભાગ્યા હતા. શાક માર્કેટમાં લારીઓ ફ્રૂટ, શાકભાજીની લઈને ઉભા રહેતા અને રાતે ત્યાં જ લારી પાર્કિંગ કરનારા વહેલી સવારમાં મહાનગરપાલિકા આવતા લારીઓ દોડાવીને ભાગ્યા હતા.
મહાનગરપાલિકાનું કોર્ટ સ્ટે વાળી કેબીનો માટે મતઃ મહાનગરપાલિકા વહેલી સવારમાં સૂર્ય નીકળતા પહેલા દબાણ હટાવવા પહોંચી જાય છે. મહાનગરપાલિકાએ 15 કેબીનો, 8 લારી, 20 પરચૂરણ દબાણ, 7 કાઉન્ટર અને 10 ઓટલા તોડી પાડ્યા હતા. જોકે, કેટલીક હાઈકોર્ટમાંથી સ્ટે લઈ આવેલી કેબીનોનું શું? કમિશનર એન વી ઉપાધ્યાયે આ અંગે જણાવ્યું હતું કે, દબાણ હટાવવા જઈએ એટલે એસ્ટેટ વિભાગને સાથે રાખીને સ્ટે હોય ત્યાં કાગળ લગાવેલું હોઈ છે. તેની તારીખ જોઈને બાદમાં એક્શન લેવામાં આવે છે. રજૂઆતો સામાન્ય નાગરિકોમાંથી આવે છે એવી કોઈ લેખિત રજુઆત હજી સુધી આવી નથી.
કમિશનરનો હાવ શહેરમાં વધતા સ્વયંભૂ દબાણ દૂરઃ મહાનગરપાલિકા કમિશનર કોઈ વગદાર કે રાજકારણીઓની ભલામણોને ગણકારતા નથી? કે કોઈ ભલામણ કરતું નથી? એ બે સવાલો વચ્ચે કમિશનર બેફામ કોઈ લાજ શરમ વગર રસ્તા પર કે ફૂટપાથ પર દબાણ હોય એટલે જપ્ત કરી રહ્યા છે. કમિશનરની કાર્યવાહીથી શહેરના નિલમબાગ જેવા વિસ્તારમાં લાઈનમાં રહેલી લારી અને કેબીનો ખાણીપીણીની સ્વયંભૂ દૂર થઈ ગઈ છે. નિલમબાગથી દેવુબાગ હવે જશો એટલે તમને કોઈ ફાસ્ટફૂડ કે પાવભાજીવાળા જોવા નહીં મળે. આ રોડ પર બંને તરફ સ્વયંભૂ લોકોએ દબાણ હટાવ્યા છે. જોકે, ખાણીપીણી માટે નિલમબાગ પહોંચતા લોકો હવે જતા વિચારે જરૂર કારણ કે ધક્કો થઈ શકે છે.