ભાવનગર : મહુવા તાલુકાના નાના ખુટવડા ગામમાં રહેતા દિલીપભાઈ ગોરધનભાઈ સરવૈયાના અને તેની માતા દ્વારા ભાવનગર કલેકટરને આવેદનપત્ર પાઠવીને ઈચ્છામૃત્યુની અરજી કરી છે. તેમનું મકાન ખાનગી કંપનીના લોકો દ્વારા પાડી દેવામાં આવ્યું છે. ત્યારે આ મામલે યોગ્ય ન્યાય કરવાની માંગ સાથે માતા-પુત્રએ કલેક્ટર કચેરીએ દેખાવ કરી આવેદનપત્ર પાઠવ્યું હતું.
શું હતો મામલો ? ભાવનગર જિલ્લાના નાના ખુટવડા ગામ રહેતા દિલીપભાઈ ગોરધનભાઈ સરવૈયા અને તેમની માતા વસંતબેન ગોરધનભાઈ સરવૈયા દ્વારા કલેકટર કચેરીએ દેખાવ કરવામાં આવ્યો હતો. દેખાવ કર્યા બાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ત્યારે દિલીપભાઈ સરવૈયાએ જણાવ્યું હતું કે, તેઓ નાના ખુટવડા ગામમાં બાલ-દાઢી કરીને પોતાનું જીવન ચલાવી રહ્યા છે. તેઓ માતા-પુત્રને ગામ પંચાયત દ્વારા ગામતળની જમીનમાં રહેવા માટે પ્લોટ આપવામાં આવેલો હોય જ્યાં મકાન બનાવવામાં આવ્યું હતું.
કંપની પર આક્ષેપ : છેલ્લા ઘણા સમયથી ઓપેરા કંપનીના માણસોના દ્વારા હેરાનગતિ કરીને મકાન ખાલી કરવા ધમકી આપવામાં આવતી હતી. ત્યારબાદ કંપની દ્વારા મોકો શોધીને મકાન તોડી પાડવામાં આવ્યું અને સામાન રસ્તા ઉપર પડ્યો છે. આથી સરકાર અને તંત્ર તેની સામે પગલાં ભરે તેમજ જવાબદાર અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે માતા-પુત્રએ ઈચ્છામૃત્યુની અરજી આપી છે. 15 દિવસમાં પગલા લેવામાં ન આવે તો ઈચ્છામૃત્યુની અરજી સ્વીકારવામાં આવે તેવી માંગ કરી છે.
કંપનીએ ધમકી આપી મારુ મકાન તોડી પાડ્યું છે. અમને જાણ વગર અને નોટિસ વગર કાર્યવાહી કરવામાં આવી છે. મકાન બનાવી આપે અથવા તો હું ઈચ્છા મૃત્યુની માંગ કરું છું તે અરજીનો સ્વીકાર કરી લે. -- દિલીપભાઈ સરવૈયા
તંત્રને રજૂઆત : મહુવાના નાના ખુટવડા ગામે વસંતબેન અને તેમનો પુત્ર દિલીપ બંને ગામતળની આપેલી ગ્રામ પંચાયતની જમીનમાં પતરાની ઓરડિયો બનાવીને રહેતા હતા. તેવામાં ઓપેરા કંપનીના અધિકારી અને ભાડુઆત દ્વારા મકાન ખાલી કરવા ધાકધમકી આપવામાં આવતી અને મકાન ખાલી કરવા માટે કહેવામાં આવતું હોવાનો આક્ષેપ થયો છે. જોકે ત્યારબાદ મામલો મામલતદાર કચેરી સુધી પણ પહોંચ્યો અને મામલતદાર દ્વારા સ્થળ ચકાસણી પણ કરવામાં આવી હતી.
ઈચ્છામૃત્યુની માંગ : ત્યારબાદ અચાનક મકાન પાડી દેવામાં આવ્યું, જેને પગલે એક ગરીબ માતા-પુત્ર મકાન વિહોણા બની ગયા છે. ત્યારે વસંતબેને જણાવ્યું હતું કે, કંપનીએ ધમકી આપી મારુ મકાન તોડી પાડ્યું છે. અમને જાણ વગર અને નોટિસ વગર કાર્યવાહી કરવામાં આવી છે. અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા કે, અમારો સામાન ફરીથી લાવી અને મકાન બનાવી આપે અથવા તો હું ઈચ્છા મૃત્યુની માંગ કરું છું તે અરજીનો સ્વીકાર કરી લે.