ભાવનગર : વહીવટી તંત્ર દ્વારા શહેરમાં કરોડો ખર્ચ કરવા છતાં ઠેકઠેકાણે કચરાના ઢગલા જોવા મળતા હોય છે. મહાનગરપાલિકા પોતાનો બચાવ કરી રહી છે. પરંતુ શહેરમાં કેટલાક એવા પોઇન્ટ છે કે જ્યાં કચરાના ઢગલા સવાર, બપોર અને સાંજ જોવા મળે છે. કરોડો રૂપિયા ખર્ચવા છતાં પણ કચરાનો સંપૂર્ણ નિકાલ જોવા મળતો નથી. ત્યારે વિપક્ષે પ્રહાર કર્યો છે કે, આવડત વગરનું આયોજન તેની પાછળ કારણભૂત છે. ત્યારે તંત્રના અધિકારી અને વિપક્ષ શું કહે છે તે પણ આપણે સમજી લઈએ.
શહેરમાં સ્વચ્છતા કામગીરી : ભાવનગર શહેરમાં અંદાજે 7 લાખ કરતા વધારે વસ્તી છે. હવે તો નવા ગામડાઓ પણ બનવા પામ્યા છે. ત્યારે ભાવનગર શહેરના કેટલાક એવા વિસ્તારો છે કે, જ્યાં કચરાના ઢગલા કોઈપણ સમયે જોવા મળે છે. જેમ કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, જવાહર મેદાન અને ગોળીબાર હનુમાનજી નજીક કે જ્યાં કચરાના ઢગલા કોઈપણ સમયે હોય છે. જોકે ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના ઇન્ચાર્જ અધિકારી ફાલ્ગુન શાહે જણાવ્યું હતું કે, 13 વોર્ડમાં ડોર ટુ ડોર મીની ટીપર વાહન દ્વારા કચરો લેવાની પદ્ધતિ મુકાયેલી છે. 6,000 થી વધુ પીઓઆઇ અને 131 સ્થળેથી તેમજ દરેક ઘરેથી કચરો ભેગો કરવામાં આવે છે. કચરો આરટીએસ સાઈડમાં એકત્રિત કરીને બાદમાં ડમ્પ સાઇટ ઉપર મોકલવામાં આવે છે.
મહાનગરપાલિકા સફાઈવેરો તો લઈ રહી છે, ત્યારે આ નવો યુઝર્સ ચાર્જ પણ લેવામાં આવી રહ્યો છે. કરોડો ખર્ચ કરવા છતાં પણ કચરો જ્યાં ત્યાં જોવા મળે છે. તેની પાછળનું કારણ અણઆવડત ભર્યું આયોજન છે. -- પ્રકાશ વાઘાણી (પ્રમુખ, ભાવનગર શહેર કોંગ્રેસ)
કચરાના નિકાલ માટે કરોડોનો ખર્ચ : ભાવનગર શહેરમાં ઘરે ઘરેથી કચરો ઉઠાવવા માટે ટેમ્પલ બેલનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે. જેની પાછળ કરોડોનો ખર્ચ થાય છે. ત્યારે સોલિડ વેસ્ટ વિભાગના ઇન્ચાર્જ અધિકારી ફાલ્ગુન શાહે જણાવ્યું હતું કે, દર વર્ષે કચરાના નિકાલ માટે તમામ સંસાધનોનો ખર્ચ 12 થી 13 કરોડ જેવો થાય છે. ટેમ્પલ બેલનો કોન્ટ્રાક્ટ ત્રણ અલગ અલગ એજન્સીને આપવામાં આવ્યો છે. જે કોન્ટ્રાક્ટની કિંમત અંદાજે એક કરોડ ઉપર છે. ભાવનગરમાં સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા અલગ યુઝર્સ ચાર્જ પણ લેવામાં આવે છે. રહેણાંકી વિસ્તારમાં 240 રૂપિયા ઘર દીઠ તેમજ કોમર્શિયલ ક્ષેત્રે 600 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે.
13 વોર્ડમાં ડોર ટુ ડોર મીની ટીપર વાહન દ્વારા કચરો લેવાની પદ્ધતિ મુકાયેલી છે. 6,000 થી વધુ પીઓઆઇ અને 131 સ્થળેથી તેમજ દરેક ઘરેથી કચરો ભેગો કરવામાં આવે છે. કચરો આરટીએસ સાઈડમાં એકત્રિત કરીને બાદમાં ડમ્પ સાઇટ ઉપર મોકલવામાં આવે છે. -- ફાલ્ગુન શાહ (ઇન્ચાર્જ અધિકારી, BMC સોલિડ વેસ્ટ વિભાગ)
વિપક્ષનો પ્રહાર અને અધિકારીનો બચાવ : ભાવનગરમાં કચરા પાછળ કરોડો ખર્ચ કરવા છતાં પણ રસ્તા ઉપર કચરાના ઢગલા મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલ જરૂર ઊભા કરે છે. ત્યારે વિપક્ષમાં બેઠેલા ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે, દુઃખ સાથે કહેવું પડે છે કે મહાનગરપાલિકા સફાઈવેરો તો લઈ રહી છે, ત્યારે આ નવો યુઝર્સ ચાર્જ પણ લેવામાં આવી રહ્યો છે. કરોડો ખર્ચ કરવા છતાં પણ કચરો જ્યાં ત્યાં જોવા મળે છે. તેની પાછળનું કારણ અણઆવડત ભર્યું આયોજન છે. ગુજરાતમાં સૌથી વધારે ટેક્સ ભાવનગરમાં લેવામાં આવે છે. લોકોની કમર આ ટેક્સના કારણે ભાંગી જાય છે. જ્યારે સોલિડ વેસ્ટ અધિકારી ફાલ્ગુન શાહે જણાવ્યું હતું કે, શહેરમાં સવારમાં સફાઈ કામદારો દ્વારા સફાઈ કર્યા બાદ પોઇન્ટ ઉપર કચરો એકઠો કરવામાં આવે છે. કેટલાક કલાકો પૂરતો ત્યાં રહેતો હોય છે. બાદમાં તેને ત્યાંથી ઉઠાવી લેવામાં આવે છે.