ભાવનગર: જિલ્લા પંચાયતમાં પ્રમુખ સહિતની કારોબારીની ટર્મ પૂર્ણ થતા નવા પ્રમુખ અને કારોબારીના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાએ ભાજપના આંતરિક જૂથવાદની ખેંચતાણો વચ્ચે ભાજપ દ્વારા સાત ધોરણ પાસ મહિલાને પ્રમુખ બનાવી દેવામાં આવ્યા છે. જો કે નિમાયેલા પ્રમુખ પાટીદાર સમાજમાંથી આવે છે. ત્યારે ઉપપ્રમુખ પદે કોળી સમાજના વ્યક્તિને સ્થાન આપવામાં આવ્યું છે. મતલબ કે લોકસભાની તૈયારી જિલ્લા પંચાયતના પદો પરથી નક્કી જરૂર કરાય છે. જેમાં બે મુખ્ય બે સમાજને ખુશ કરવામાં આવ્યા છે.
જિલ્લા પંચાયતમાં કોને ક્યાં સ્થાન: ભાજપ દ્વારા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જો કે જિલ્લામાં પાટીદાર અને કોળી સમાજની પ્રમુખ પદ સહિત કારોબારી માટે ખેંચતાણ રહેતી હોય છે, હાલમાં ભાજપે પહેલી ટર્મમાં જીત મેળવેલા અને સાત ધોરણ પાસ રૈયાબેન મૂળજીભાઈ મિયાણીને પ્રમુખ પદે નિયુક્ત કર્યા છે. રૈયાબેન મિયાણીએ સણોસરા બેઠક ઉપરથી જીત મેળવેલી છે. ભાવનગર જિલ્લા પંચાયતના નવા પ્રમુખ નિમાયા બાદ તળાજા બેઠકના કોળી સમાજમાંથી આવતા વિક્રમભાઈ ડાભીને ઉપપ્રમુખનું પદ આપવામાં આવ્યું છે. મહુવાના જાગધાર બેઠકના સભ્ય રૂખડભાઈ ચૌહાણને કારોબારી ચેરમેન બનાવવામાં આવ્યા છે.
મને ઉપપ્રમુખ પદ મળ્યું છે ત્યારે દરેક સભ્યોને સાથે રાખીને વિકાસના કામોને આગળ ધપાવશું. મેથળા બંધારામ સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. આગળના દિવસમાં હવે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. - વિક્રમ ડાભી, ઉપપ્રમુખ
કોણ છે રૈયાબેન મિયાણી: ભાવનગર જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રમુખ રૈયાબેન મૂળજીભાઈ મિયાણી 55 વર્ષના છે. રૈયાબેન પ્રથમ વખત ચૂંટાઈને આવેલા છે, ત્યારે તેમને સીધું જ પ્રમુખ પદ મળ્યું છે. સાત ધોરણ સુધી તેઓ પાસ છે. જો કે રાજકારણમાં પોતાના પતિને કારણે આવ્યા છે. પ્રમુખ રૈયાબેન મિયાણી વધુ શિક્ષિત તો નથી અને રાજકીય અનુભવ પણ નથી. આમ છતાં તેમના પ્રમુખ પદનું સ્થાન આપવામાં આવ્યું છે. જો કે પ્રમુખ પદના સ્થાન પાછળ જનરલ મહિલા બેઠક હોવાનું કહેવામાં આવે છે, ત્યારે બીજી તરફ તેમના પતિ મૂળજીભાઈ મિયાણી એક પીઠ રાજકીય નેતા છે. જેઓ 1955 થી જિલ્લા પંચાયતની ચૂંટણી લડતા આવ્યા છે અને ત્રણ ટર્મ સુધી સતત જીત મેળવેલી છે. રૈયાબેનને લઈને તેમના પતિ મૂળજીભાઈએ જણાવ્યું હતું કે પાર્ટી દ્વારા પ્રમુખ પદ રૈયાબેનને મળ્યું છે, ત્યારે રોડ, પાણી, રેશન આયુષ્યમાન કાર્ડ તેમજ રોજડા અને રેઢીયાળ ઢોરના ત્રાસને દૂર કરશું. વધુમાં વીજળી સમસ્યા હશે તો તેને પણ દૂર કરવા પગલાં ભરશું.
ભાજપમાં આંતરિત જૂથવાદ: ભાવનગર જિલ્લામાં તાલુકા કક્ષા હોય કે જિલ્લા કક્ષાનું રાજકારણ હોય પરંતુ તેમાં પણ પક્ષોની અંદર આંતરિક રાજકારણ ચાલતું હોય છે, ત્યારે ભાવનગર જિલ્લા ભાજપમાં જોઈએ તો જિલ્લામાં બે સાંસદો વચ્ચેનું જૂથ હોવાનું ચર્ચા રહ્યું છે. તેમાં હવે ત્રીજા મહુવાના ધારાસભ્ય રાઘવજીભાઈ મકવાણા જિલ્લા ભાજપ પ્રમુખ થયા બાદ ત્રીજું પક્ષ પણ અમલમાં આવ્યુ હોવાની ચર્ચા છે. અહીં વાત જિલ્લા પંચાયતના નિમાયેલા પદોને લઈને કરવી છે, ત્યારે વિક્રમ ડાભીને ઉપપ્રમુખ પદનું સ્થાન આપવામાં આવ્યું છે, જે ભારતીબેન શિયાળ નજીક હોવાનું કહેવામાં આવે છે. જ્યારે રૂખડભાઈ ચૌહાણ કારોબારી ચેરમેન બનાવવામાં આવ્યા છે, જે રાઘવજી મકવાણાની નજીક કહેવાય છે. તો બીજી તરફ શાસક પક્ષના નેતા મંગાભાઈ બાબરીયાને બનાવવામાં આવ્યા છે, જે ભારતીબેન શિયાળ તરફના વ્યક્તિ માનવામાં આવે છે. ત્યારે અહીંયા ક્યાંક લોકસભાની ચૂંટણીને લઈને પાટીદાર સમાજ અને કોળી સમાજ સાથે ભરવાડ સમાજને ભાજપે સાચવ્યો હોવાનું અને આંતરિક જૂથવાદને પણ સાચવી લીધો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.