ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી છેલ્લા થોડા માસથી દેશવાસીઓને રડાવી રહી છે, તેમ કહેવું ખોટું નથી. એક સમય હતો કે, જયારે ડુંગળીના ભાવો સાવ તળિયે હતા. 6 થી 8 રૂ. કિલોના ભાવે બજારમાં ડુંગળી મળતી હતી એટલે કે, 150 રૂ. પ્રતિ મણના ભાવ ડુંગળીના મળતા હોય જેથી ખેડૂતોને નફો તો દુર, પરંતુ તેની મહેનત પણ માથે પડતી હોય અપૂરતા ભાવોથી રોષ વ્યક્ત કરતા હતા. જયારે આ વર્ષે ચોમાસામાં અતિ વરસાદના કારણે ડુંગળીના પાકનું વાવેતર પણ મોડું કરવામાં આવ્યું હતું અને પાક ભારે વરસાદમાં નિષ્ફળ જતા ઉત્પાદનમાં 50 ટકા જેટલો ઘટાડો પણ નોંધાયો છે, જેને લઈને ડુંગળી 80 થી 100 રૂ.કિલોના ભાવે આજે બજારમાં વેચાય રહી છે. 1700 થી 1800 રૂ. પ્રતિ મણના ભાવો મળતા ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે, પરંતુ સામાન્ય અને ગરીબ પરિવારને આ ડુંગળી ખુબ મોંધી લાગી રહી છે.
નવેમ્બરમાં 900 રૂ.મણના ભાવે ડુંગળીનું મહુવા યાર્ડમાં હરાજી માં વેચાણ થયું હતું , ત્યાર બાદ આ માસના પ્રારંભે આ ડુંગળી 1800 રૂ. પ્રતિ મણના ભાવે વહેચાય હતી. ભાવો આટલા ઉપર સુધી પહોંચતા દેશભરમાં હાહાકાર મચ્યો હતો. ખેડૂતો ઊંચા ભાવ મળતા ખુશ નજરે પડતા હતા પરંતુ લોકોનો રોષ વધતા સરકારે ડુંગળીને વિદેશથી આયાત કરવાનું નક્કી કર્યું છે. જેમાં લાખો ટન ડુંગળી હાલ ભારતમાં આવી પહોંચી છે. જે ટુક સમયમાં સમગ્ર દેશના વિવિધ ભાગોમાં મોકલી આપવામાં આવશે અને વધેલા ભાવો કાબુમાં આવશે. પરંતુ ઘણા વર્ષો બાદ જયારે ડુંગળીનો પાક ઓછો થયો છે અને ભાવ પૂરતા મળી રહ્યા છે, ત્યારે સરકારે આયાતનીતી અપનાવી ભાવો ઘટાડતા ખેડૂતો પોતાનો રોષ વ્યકત કરી રહ્યાં છે.
શુક્રવારના રોજ મહુવા યાર્ડમાં ડુંગળીના ભાવોમાં કડાકો બોલી ગયો હતો, જેમાં 1200 રૂ. પ્રતિ મણના ભાવે વેચાણ થયું હતું. ખેડૂતોમાં ભાવો ઘટતા મોઢા પર કચવાટ સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો. તેમના કહેવા મુજબ ડુંગળી કોઈને રડાવી નથી રહી. અમે જ રડી રહ્યા છીએ, ડુંગળીના સારા ભાવો મળતા થયા ત્યાં જ ભારે બુમરાગ ને કારણે સરકારે બહારથી ડુંગળી આયાત કરી અમારી આવકને અટકાવી છે.