ભાવનગરઃ આજ કાલ બર્થ ડે ઉપરાંત વિવિધ ડેનું સેલિબ્રેશન નાગરિકો કરતા જોવા મળે છે. આ દરેક ડેના સેલિબ્રેશનમાં કેક મહત્વની ભૂમિકા ભજવે છે. આ કેક બજારમાંથી પણ લાવવામાં આવે છે અને હવે તો ગૃહિણીઓ પોતાના પરિવારને ઘરે બનેલ અને ઈંડા તેમજ હાનિકારક કેમિકલ વિનાની હોમ મેડ પીરસવાનો આગ્રહ રાખે છે. આમ તો કેક પશ્ચિમી દેશોની વાનગી છે પણ હવે ભારતમાં પણ દરેક તહેવારો અને વિવિધ ડેના સેલિબ્રેશનમાં કેકનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આજે દરેક ગૃહિણીઓ કેક જાતે બનાવતા શીખવાનું પસંદ કરે છે. ભાવનગરમાં હોમ મેડ કેક મેકિંગનો ક્રેઝ આસમાને છે.
હોમ મેડ કેક કોચિંગઃ આજે દરેક ઘરમાં ઓવન એક સામાન્ય એપ્લાયન્સીસ બની ગયું છે. તેથી ગૃહિણીઓ અને પરિવારની દીકરીઓ આ ઓવનમાં પિઝા અને કેક વગેરે અવારનવાર બનાવતી હોય છે. ઘરે બનાવેલી વાનગીઓ હંમેશા શુદ્ધ હોય છે, ઈંડા વગરની કેક બનાવતા શીખવું ગૃહિણીઓ માટે આજે જરૂરી બની ગયું છે. કારણ કે બાળકો ચોકલેટ અને કેકથી હંમેશા આકર્ષાયેલા રહે છે. ભાવનગરમાં હવે ગૃહિણીઓમાં હોમ મેડ કેક બનાવવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. શહેરમાં અનેક ઠેકાણે હોમ મેડ કેકના કોચિંગ ક્લાસીસ પણ ચલાવવામાં આવે છે. જેમાં ગૃહિણીઓ અને બહેનો હોંશભેર હોમ મેડ અને ક્વાલિટી યુક્ત કેક બનાવવાનું શીખી રહી છે.
હું ચોકલેટ, કેન્ડલ અને હોમ મેડ કેક બનાવું છું. અત્યારે બધાને શુદ્ધ અને જાતે બનાવેલ વાનગીમાં વધુ રસ હોય છે. ગૃહિણીઓ પણ પોતાના બાળકોને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ બનાવીને જમાડવામાં આનંદ આવે છે. બજારમાં દરેક વાનગી અવાઈલેબલ છે પણ અહીં વાત છે સ્વાવલંબનની. અત્યારે મધર ડે, ફાધર ડે તેમજ આપણા અને બીજી કાસ્ટના 31 ડિસેમ્બર જેવાની ઉજવણી માટે ગૃહિણીઓ કેક બનાવવાનું શીખી રહી છે... ભાવિષા પંજાબી (હોમ મેડ કેક ટ્રેનર,ભાવનગર)
હું અહીંયા કેક શીખવા આવી છું. મને ખૂબ ઇન્ટ્રેસ્ટ છે. મને ભાવિષાબેન જે કેક બનાવે છે તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગ્યો છે. તેમને અલગ પ્રકારની કેક બનાવતા અમને શીખવ્યું છે. જો કે તેઓ ક્રીમ પણ જાતે જ ઘરે બનાવે છે જેનો ટેસ્ટ પણ ખૂબ સારો છે. બહારના ક્રીમથી ઘણી વખત સ્વાસ્થ્ય બગડતું હોય છે...પાયલ ગુરુમુખાણી(હોમ મેડ કેક ટ્રેની, ભાવનગર)