ભાવનગર : લોકગીત એટલે ગુજરાતની સંસ્કૃતિ અને વારસો તેમ કહેવામાં કશું ખોટું નથી. પરંતુ લોકગીતની રચના વર્ષો પહેલા લેખક અને સાહિત્યકારો દ્વારા થઈ તેવી રચનાઓ આજે જોવા મળતી નથી. આજે પણ ગુજરાતમાં ગુજરાતીઓ વર્ષો પહેલાના લોકગીતોને રજૂ કરીને વારસાની વાહ વાહ મેળવે છે. અંગ્રેજી માધ્યમના આવેલા જમાનામાં વિચાર્યું નહીં હોય કે ગુજરાતી લોકગીતની નવી રચના કઈ રીતે કરી શકાય. જોકે તેના માટે લોકગીતના ગાયક કલાકારો પણ પોતાના મત રજૂ કરે છે. ભાવનગરના લોકગાયિકા રાજેશ્રીબેન પરમારે લોકગીત અને લોકસંગીતની રચના અંગે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી.
લોકગીતની રચના : એક વ્યક્તિથી બીજા વ્યક્તિએ કંઠસ્થ કરીને ગાયક કલાકારોએ શબ્દોમાં લોકગીતોને રજૂ કરતા જોવા મળે છે. પરંતુ જે ગાયક કલાકારો લોકગીતો રજૂ કરે છે તે તો આપણા પૂર્વ લેખકો અને શાયરો તેમજ સાહિત્યકારોએ આપેલી એક દેન છે. પરંતુ અત્યારની પાશ્ચાત્ય સંસ્કૃતિના મારા વચ્ચે ગુજરાતી લોકગીતની રચના ક્યાં તેઓ સવાલ પણ જરૂર સમાજમાં ઉભો થાય છે. લોકગીતને પોતાના સ્વરમાં લોકો સુધી પહોંચાડનાર ભાવનગરના લોકગાયિકા રાજેશ્રીબેન પરમારે લોકસંગીત અંગે પોતાનો મત રજૂ કર્યો હતો.
સવાલ - આજના સમયમાં લોકગીત અને લોકસંગીત ક્યાં છે ?
સૌથી પહેલા આપણે લોકગીતની વાત કરીએ તો આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને જરૂર યાદ કરવા પડે. આપણને અઢળક લોકસંગીત, લોકગીત, સાહિત્યકલા, લોકકલા, લોકવારસો ઘણા લોકગીતો સંપાદન કરીને આપ્યા છે. શૂરવીરતાની વાતો, ઇતિહાસની વાતો, મર્દાનગીની વાતો, બહારવટિયાની વાતો હોય જે આપણને આપ્યું છે. આજની પેઢી પાશ્ચાત્ય સંસ્કૃતિમાં રંગે રંગાઈ ગઈ છે. પશ્ચિમી વાયરાના ઝપટમાં આવી ગઈ છે. તેની સામે અમારો એક જ પ્રયત્ન રહ્યો છે કે, આપણા લોકગીત અને લોકસંગીતના વારસાને જાળવી રાખવામાં આવે. તેવો પ્રયાસ અમે કરતા રહ્યા છીએ.
સવાલ - લોકગીત લખાતું હતું પરંતુ આજે રચનાઓ થતી જોવા મળતી નથી ?
એક ગાયક કલાકાર પાસેથી આવેલું બીજા ગાયક કલાકાર પાસેનું ગીત એટલે કે લોકગીત. જોકે તેની કોઈ રચના કે તેનો કોઈ કવિ હોતો નથી. લોકગીત એટલે કુવા કાંઠે જે કંઈ જોઈ અને તેને આપણે લખીએ તે આપણું લોકગીત છે. તેને કોઈપણ ઢાળમાં ઢાળી શકાતું નથી. તેને જે રીતે આપણે ગાવું હોય તે રીતે ગાઈ શકાય છે. અત્યારે જે ગુજરાતી ગીતો આવે છે તે સારા હોય છે. પણ તેના ગીતોમાં ક્યારેક ભાવ હોય છે તો ક્યારેક નથી હોતો. આપણે તેને સમજી શકતા નથી. લોકગીત ગામ હોય કે શહેર, કોઈપણ લોકગીત રજૂ થાય ત્યારે ઝૂમવા લાગે છે. પછી તે નાનો હોય કે મોટો હોય, લોકગીત રજૂ થાય એટલે પગ થીરકવા લાગે અને તાલમાં ઝૂમી ઊઠે તે લોકગીત છે.
સવાલ - લોકગીત માટે લખાણ થવું જોઈએ ?
પહેલા તો આપણે માતૃભાષા ગુજરાતીને પ્રેમ કરીએ પણ હવેની પેઢી ઇંગલિશ મિડીયમના બાળકોને લોકગીત એટલે કંઈ ભેગું થતું નથી. ગામડા ગામના દ્રશ્ય હોય, કુદરતી દ્રશ્ય હોય ત્યાંથી લખાતી રચના એટલે લોકગીત છે. હવે કોઈ લખે તો તેને હું લોકગીત માનતી નથી.