ભાવનગર : ભાવનગર શહેરમાં વિકાસ એવો થયો કે શહેરમાંથી સિટી બસ જ ગાયબ થઈ ગઈ છે. હા ચોંકી ના જતાં, કારણ કે અહીંયા સિટી બસ શહેરમાં એક માત્ર વિસ્તારમાં ચાલે છે. સવાલ એવો થાય કે શું આ વિસ્તાર પછાત છે ? શું કોઈ પાસે વાહનો નહીં હોય ? પણ એવું તો બને નહીં. નવાઈની વાત છે કે શહેરમાં એક માત્ર રુટ પર સિટી બસ ચાલે છે બાકીના બધા રુટો બંધ છે. એક સમયે દરેક વિસ્તારમાં સિટી બસ જતી અને મનપા ખુદ સંચાલન કરતી હતી. પરંતુ બદલાયેલા શાસનમાં કોન્ટ્રાકટ પ્રથા આવી અને આજે સિટી બસનું પતન થઈ ગયું છે.
સિટી બસના અભાવથી લોકોને પરેશાની : ભાવનગર શહેરમાં એક સમયે ખૂણેખાચરે આવેલા વિસ્તારોમાં સિટી બસ પહોંચતી હતી. પરંતુ છેલ્લા 30 વર્ષમાં મહાનગરપાલિકા સંચાલિત સિટી બસને કોન્ટ્રાક્ટ હેઠળ સોંપી દેવામાં આવી અને આજે પરિસ્થિતિ એવી છે કે શહેરમાં સિટી બસ માત્ર એક વિસ્તાર પૂરતી ચાલી રહી છે. સરકારી કચેરીઓ ભાવનગરના વિદ્યાનગર વિસ્તારમાં ફેરવ્યા બાદ અરજદારોને પૈસા ખર્ચીને અરજી કરવા પહોંચવું પડી રહ્યું છે. જો કે મોટાભાગે અરજદારો રોજની મજૂરી કરીને બે પૈસા કમાઈને સિટી બસના અભાવે રિક્ષા ભાડામાં ખર્ચી રહ્યા છે.
રોજની મજૂરી કરીને રળીએ છીએ. વિધવાનું ફોર્મ ભરવા આવીતી ,રીક્ષા સિવાય કંઈ મળતું નથી. 40 રૂપિયા આવવાના અને 40 રૂપિયા જવાના દેવા પડે છે. ટિકિટ ભાડા અમે ભાંગીએ છીએ, સિટી બસ શરૂ કરવી જોઈએ...રૈયાબેન (રોજમદાર)
સિટી બસનો સુવર્ણકાળ અને પરિવહન વ્યવસ્થા : કહેવાય છે કે વિકાસ તેને કહેવાય કે જે સુવિધા હોય તેમાં વધુ સુદ્રઢબસુવિધા મળી રહે, પરંતુ ભાવનગરમાં ઉલટી ગંગા વહેતી હોય તેવું લાગે છે. ભાવનગર શહેરમાં 30 વર્ષ પહેલા શહેરના ખૂણે ખાંચરે મહાનગરપાલિકાની સિટી બસ પહોંચતી હતી. ભાવનગરના મુખ્ય ગંગાજળિયા તળાવમાંથી સીટી બસની સેવાનું સંચાલન થતું હતું. ગંગાજળિયા તળાવથી અલગ અલગ વિસ્તારો જેમ કે કુંભારવાડા, ચિત્રા, સુભાષનગર, આનંદનગર, કાળીયાબીડ જેવા વિસ્તારોમાં બસો ચાલતી હતી, જેને પગલે રોજની મજૂરી કરીને રળતા ગરીબ લોકોને પરિવહનની વ્યવસ્થાઓ સરળતાથી મળી રહેતી હતી. પરંતુ આજે દિશા અને દશા બદલાઈ ગયા છે. હવે લોકોની માંગ નથી રહી કે અણઆવડત શુ જવાબદાર છે તેને હજુ સુધી કોઈ સમજી શક્યું નથી.
સિટી બસની સેવા શરૂ કરી આપવી જોઈએ, મોટી લાઈન અહીં થાય છે, અહીંયા સિટી બસની વ્યવસ્થા કરી આપે તો વધુ સારું. કોઈ માણસો બંગલાના કામ કરતા હોય કોઈ મજૂરી કરતા હોય તો આ લોકોને મોટા ભાડા ખર્ચવા પડે છે. આથી સિટી બસની સેવા શરૂ કરવી જોઈએ... ભદ્રાબેન બારોટ (અરજદાર)
મજૂરી કરતા અરજદારોના થાય છે ખિસ્સા ખાલી : ભાવનગર શહેરના વિદ્યાનગરમાં શહેરની સિટી મામલતદાર કચેરી ઘણા વર્ષોથી ફેરવી નાખવામાં આવેલી છે, ત્યારે અન્ય કચેરી પણ વિદ્યાનગરમાં જ ફેરવવામાં આવેલી છે. આ બંને કચેરીમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કોઈને કોઈ સરકારી લાભ માટે ફોર્મ ભરવા જવા માટે પહોંચવું પડતું હોય છે. પરંતુ આ કચેરીએ પહોંચવા માટે તગડું ભાડું આપવા માટે અરજદારો મજબૂર બન્યા છે.
કમિશનરે સિટી બસ મામલે આપ્યું આશ્વાસન : ભાવનગર શહેરમાં એક કાળ હતો કે શહેરને કોઈ પણ ખૂણે પહોંચવા માટે પરિવહન રૂપે સિટી બસ મળી રહેતી હતી. પરંતુ દિવસે દિવસે સિટી બસ સેવાનું પતન થયા બાદ શાસકોએ ભૂતકાળમાં એવા જવાબ આપ્યા હતા કે લોકોના ઘરે ઘરે વાહનો થઈ જવાને કારણે સિટી બસનો ઉપયોગ ઓછો થયો છે. આ બાબતે કમિશનર એન વી ઉપાધ્યાય જણાવ્યું હતું કે પ્રયત્ન કરીશું.
PPP હેઠળ કોન્ટ્રાક્ટ સિટી બસનો આપવામાં આવેલો છે. એક રૂટ અત્યારે હાલમાં ચાલુ છે. બાકી રૂટો ઓછા થવાને કારણે ઘટી ગયા છે. આગામી દિવસોમાં હવે જ્યારે નવા ગામો ભળ્યા છે ત્યારે ખૂણેખાંચરે સિટી બસની સેવા પહોંચે એ માટે પ્રયત્ન કરશું. સરકારની કોઈ ગ્રાન્ટ કે અન્ય વ્યવસ્થા થાય અને ફાયદો થાય તેવું કરાશે. જો કે હાલમાં ગંગાજળિયા તળાવમાં આવેલું મુખ્ય સિટી બસનું વડું મથક તૂટેલી જર્જરિત ઇમારતમાં ચાલે છે. બાજુમાં એક રૂમ છે તેમાં કોન્ટ્રાક્ટના માણસો બેસે છે. મનપાનું આજે પણ બસ ગેરેજ નિલમબાગમાં યથાવત છે પણ ત્યાં અન્ય વાહનોની મરામત થાય છે...એન. વી. ઉપાધ્યાય (કમિશનર)
વિપક્ષે સિટી બસ પગલે કર્યા પ્રહાર : ભાવનગર શહેરમાં હાલમાં સિટી બસ એકમાત્ર ભરતનગર વિસ્તાર પૂરતી ચાલી રહી છે. જ્યારે વિપક્ષના નેતા પ્રકાશ વાઘાણી જણાવ્યું હતું કે વારંવાર રજૂઆત કરી આંદોલન કર્યા આમ છતાં પણ સિટી બસ સેવા શરૂ થઈ નથી. એક વિસ્તારમાં ચાલે છે. મામલતદાર કચેરીએ આવતી વિધવા બહેનો સહાયની જરૂરિયાત માટે ધક્કા થાય છે. એક ફોર્મમાં બે વખત કે ત્રણ વખત આવવું પડે છે. કોંગ્રેસના શાસનમાં એક સમયે ડબલ ડેકર ચાલતા હતા અને શહેરના ખૂણે ખૂણે સીટી બસ પહોંચતી હતી. આજે નવા ગામ તો ભેળવી દીધા છે. પરંતુ સિટી બસની વ્યવસ્થા નથી.