ભાવનગર જિલ્લો દેશમાં પુના પછીનું ડુંગળી પકવવામાં બીજા નંબરે છે. છતાં હાલ ભાવનગર શહેરમાં ડુંગળી કરતા સફરજન સસ્તા છે. ગૃહિણીનું બજેટ કુદરતના વધુ પડતા વરસાદે બગડ્યું છે. ચોમાસાના અંતમાં પડેલા વરસાદના લીધે ડુંગળીનું બિયારણ બગડતા આજે ડુંગળીના બદલે સફરજનનું શાક બનાવવું ગૃહિણી માટે સસ્તું પડે તેમ છે, કારણ કે ડુંગળીના ભાવ દઝાડે તેટલા ઊંચા પહોંચ્યા છે.
પરંતુ આ વર્ષે દિવાળી સુધી વાવાઝોડાને પગલે આવેલા વરસાદે ખેડૂતના ડુંગળીના બિયારણ બાળી દેતા ડુંગળીનું વાવેતર જિલ્લામાં 50 ટકા થયું છે, પણ ડુંગળીનો પાક નબળો રહેતા ડુંગળી બજારમાં સફરજન કરતા મોંઘી બની ગઈ છે. ડુંગળીના વેપારીઓ પણ માને છે કે, કુદરતના ચાબખે ખેડૂત લાચાર બની ગયો અને આજે ગરીબોની કસ્તુરીએ આજે બધા લોકોને ગરીબ બનાવી દીધા છે. એટલે કે તેની કિંમત વધી જવા પામી છે.
ભાવનગર જિલ્લામાં મહુવા અને તળાજા ડુંગળીનું પીઠું માનવામાં આવે છે. વાયુ અને મહા જેવા વાવાઝોડાને પગલે દિવાળી સુધી વરસેલા વરસાદથી 60 ટકા ડુંગળીના બિયારણ આશરે નિષ્ફળ નિવડ્યા છે. એક તરફ કાશ્મીરથી આવતા શક્તિવર્ધક સફરજન સસ્તા છે બજારમાં 40થી 80 રૂપિયા સુધીમાં સારામાં સારા સફરજન મળી રહે છે. સફરજનના વેપારીઓ પણ માને છે કે, સફરજન સસ્તા હોવાથી મહિલાઓ ખરીદી રહી છે કારણ કે ડુંગળીએ ગૃહિણીનું બજેટ વિખેરી નાખ્યું છે. હજુ એક મહીના સુધી સફરજન સસ્તા રહેશે એટલે ગૃહિણી ધારે તો સફરજનનું શાક બનાવે તો પરવડે તેમ છે. ડુંગળીનું વાવેતર રવિ પાકમાં વધારવા માટે ખેડૂતને સરકારે સહાય આપવી જોઈએ જેથી રવિ પાકમાં ડુંગળીનું ઉત્પાદન વધે અને ગરીબોની કસ્તુરી સસ્તી બને.