ભાવનગરઃ ગુજરાતમાં સૌરાષ્ટ્ર પ્રાંતમાં ભાવનગર જિલ્લામાં આવેલા સિહોર એટલે સૌરાષ્ટ્રનું છોટેકાશી. આ છોટેકાશીમાં આદીઅનાદી કાળનો અર્વાચીન ઈતિહાસ એટલે ગોહિલવાડનું ગૌરવ નવનાથના બેસણા ઋષિઓની તપસ્થળી એટલે સિહોર સદીઓ પૂર્વે રચાયેલો બ્રાહ્મણોનો ઈતિહાસ અને બ્રાહ્મણોની શૌર્યગાથા આજે પણ લોક મુખે ગવાય છે. એવાં આ સિહોર એટલે કે સિંહપુર નગરીમાં એક નિવૃત્ત શિક્ષક જે જીવન ચર્યાના પથ પર 8 દાયકાઓ પૂર્ણ કરી દિન દુ:ખીયાની સેવા કાજે આજે પણ ખડેધડે છે.

રામજીભાઈ કરશનભાઈ મકવાણા આ દાદાની વર્તમાન સમયે વય 83 વર્ષની છે. યુવાવયે એક શિક્ષક તરીકે સેવા અર્પણ કરી સમાજનું ઋણ અદા કર્યું હતું. જે બાદ પણ પવિત્ર આત્માના અંતર મનમાં સેવાનો ભાવ અકબંધ રહેતાં અનોખી સેવાનો ખાસ યજ્ઞ આગળ ધપાવી આજે એક ઝળહળતી જ્યોત સ્વરૂપે તેજોમય બનાવી છે. બાલ્યાવસ્થામાં માવતર પાસેથી પ્રાપ્ત સંસ્કાર યુવાવયે ગીતાનું ગહન જ્ઞાન અને પોતાની આજીવન જીવનચર્યામાં વણી લઈને સુંદર પથ પ્રસ્થાપિત કર્યો છે.

ભાવનગરનું સિહોર ગામ વર્તમાન ભાવેણાની પૂર્વ રાજધાની તથા શૂરવીરોની પાવન ભૂમિ અહીં અખિલ બ્રહ્માંડના નવનાથ આજે પણ ઉઝળા ઈતિહાસની ગવાહી પૂરે છે. એવી સિંહપુર નગરીમાં 83 વર્ષના વયોવૃદ્ધ માનવી છેલ્લા 40 વર્ષથી જીવ સેવાનો પ્રેરણાદાયી સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે, તો આવો જાણીએ પરસેવા અર્થે જીવન સમર્પિત કરનારા આ ઓલીયા વિશે...

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના પીપરડી ગામે એક ગરીબ પરિવારમાં જન્મેલા રામજીભાઈ કરશનભાઇ મકવાણાએ બાલ્યાવસ્થામાં ભારે સંઘર્ષ કરી પગભર બન્યા ભણતર સાથે વારસાઈમા જીવન જીવવાની કોઠાસૂઝ તથા માતા-પિતા દ્વારા ઊંડા આધ્યાત્મિક સંસ્કારોનું સિંચન પણ થયું રામજીભાઈએ શ્રીમદ ભગવત ગીતાના આદર્શને જીવનમાં ઉતાર્યા હતા. પરમાર્થ કાજે જીવન વ્યતિત કરવાની નેમ લીધી હતી. એક સફળ શિક્ષક તરીકેની નોકરી પુરી કરી સમાજમાં વસતા નિરાધાર ત્યકતા અને વયોવૃદ્ધ વ્યક્તિઓ માટે વૃદ્ધાશ્રમ બનાવવાની તેઓની અદમ્ય ઈચ્છા હતી, પરંતુ પૈસાની કમીએ તેમનું સ્વપ્ન અધુરું રહ્યું હતું.

રામજી દાદા જરા પણ નિરાશ થયા વિના અલગ વિચારધારા સાથે સેવાનો શમીયાણો શરૂ કર્યો હતો. વહેલી સવારે સિહોરમાં રામનાથ વિસ્તારમાં આવેલી રામટેકરીથી શરૂ કરી હતી. જે બાદ સમગ્ર સિહોરની બજારોમાં પ્રભાતફેરી માટે નિકળી લોકો પાસે માંયા વિના લોકો દ્વારા અપાતા તૈયાર ભોજન અનાજ એકત્ર કરી રામટેકરી ખાતે આવી સિહોરમાં રખડતાં ભટકતા દિન દુ:ખીયાઓને ભોજન કરાવે છે.
લોકો દ્વારા આપેલા અનાજને રામટેકરી ખાતે આવેલા પક્ષી તિર્થના અલગ અલગ વિભાગમાં પક્ષીની જાત મુજબ ગગનવિહારીઓને પિરસી દેવામાં આવે છે. રામટેકરી એક સુંદર સ્થળ છે. ડુંગર માળની ગોદમાં વસેલા આ પક્ષી તિર્થમા દરરોજ અલગ અલગ જાતના 1500થી વધુ પક્ષીઓ પોતાની ક્ષુધાગ્ની તૃપ્ત કરવા(ભોજન માટે) આવે છે.
રામજી દાદાનો આ ક્રમ એક કે બે નહીં પણ 40 વર્ષથી અકબંધ રહ્યો છે. આજે 83 વર્ષની વયે પણ તંદુરસ્ત જૈફે ટાઢ, તડકો કે વરસાદની પરવા કર્યા વિના અવિરતપણે જાળવી રાખ્યો છે. રામટેકરી પક્ષી તિર્થમા અલગ અલગ સમયે ચકલી, પોપટ, મોર, ઢેલ, કાબર, બુલબુલ, લૈલા, હોલા, દૈયડ, ટપુસીયો સહિતના અનેક પક્ષીઓ આવે છે. આ પક્ષી તિર્થને નિહાળવા દૂર દૂરથી લોકો આવે છે. રામજીદાદાના કાર્યની ભરપેટ સરાહના કરી યથાશક્તિ મદદ પણ કરે છે.
રામજીભાઈએ આ સેવાકાર્ય માટે આજદિન સુધી કોઈ પાસે યાચના કરી નથી. પોતાને મળતા પેન્શનમાંથી ઘરખર્ચની રકમ કાઢી બાકી બચતી તમામ રકમ પક્ષીતિર્થ માટે વાપરે છે. ખરેખર નિ:સ્વાર્થ આ ભક્તિ કર્મને સો-સો સલામ છે.