ભાવનગર: શહેરમાં સામાન્ય રીતે સાપ નીકળવાના કિસ્સાઓ બનતા હોય છે. પરંતુ જ્યાં અજગરનું રહેઠાણ ન હોય ત્યાં શહેરી વિસ્તારમાં અજગર નીકળે તો થોડુંક અજુગતું જરૂર લાગે છે. ભાવનગર શહેરમાં સાપો બાદ દીપડાએ પણ દેખા દીધા છે અને હવે શહેરી વિસ્તારમાં અજગર પણ ઘૂસી રહ્યા છે. જો કે આ કિસ્સો ક્યાંય પ્રકાશમાં નથી આવ્યો કે નથી ભાવનગરના કોઈ વન વિભાગના વ્યક્તિને ખબર.
ભાવનગર શહેરની વચ્ચે વિક્ટોરિયા પાર્ક આવેલું છે. રજવાડા સમયના આ જંગલી વિસ્તારમાં કોઈ માંસાહારી પ્રાણી કે પશુ વસતા નથી. પરંતુ વિક્ટોરિયા પાર્કમાં સાપ સહિત ઝરખ વગેરે જેવા પ્રાણીઓ અને જીવજંતુઓ જોવા મળે છે. ભાવનગર શહેરમાં મોટાભાગે શહેરી વિસ્તારમાં કોબ્રા અને કાળોતરો જેવા સાપ જોવા મળતા હોય છે. ક્યારેક ધામણ જેવા સાપ પણ નજરે પડતાં હોય છે. જો કે એક સમયે ભાવનગરના શાસ્ત્રીનગર વિસ્તાર અને કુંભારવાડા વિસ્તારમાં દીપડો પણ શહેરી વિસ્તારમાં ઘૂસી આવ્યો હતો, જેને વન વિભાગે ઝડપી પાંજરે પુરેલો પણ છે. પરંતુ આજ દિન સુધી રહેણાંક વિસ્તારમાં અજગર સામે આવ્યો નથી. પરંતુ હવે તે પણ ક્યાંય જરૂર બની રહ્યું છે.
ભાવનગર શહેરમાં બોરતળાવ વિસ્તારમાં અજગર શુક્રવાર રાતે જોવા મળ્યો છે. પૂર્વ મહાનગરપાલિકાના રોડ વિભાગના અધિકારી એમ ડી મકવાણાના ઘરમાં શુક્રવારે અજગર ઘુસી ગયો હતો. એમ ડી મકવાણાએ જણાવ્યું હતું કે શુક્રવારે બહાર રસ્તા પરના બાળકો બૂમો પાડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે સાપ ઘરમાં ઘૂસ્યો. આથી મેં બહાર આવીને જોયું તો મારી કારના વ્હીલ પાસે અજગર હતો. અજગર હોવાથી મેં ખાલી ડબ્બો શોધ્યો અને જાતે પકડીને ડબ્બામાં પુરીને વિક્ટોરિયા પાર્કમાં મૂકી દીધો હતો.
ભાવનગર મહાનગરપાલિકાના પૂર્વ રોડ વિભાગના અધિકારી એમ ડી મકવાણા રિટાયર્ડ થયા બાદ ઘરે જીવન પરિવાર વચ્ચે ગુજારે છે. અજગર બાબતે એમ ડી મકવાણાએ જણાવ્યું હતું કે અજગર મેં પકડ્યો ત્યારે અંદાજે 7 ફૂટથી વધુ મોટો લાગ્યો હતો. તેનું વજન અંદાજે 10 કિલોથી વધારે હશે. અજગર બાબતે મેં કોઈને જાણ તો નથી કરી પણ સાચવીને તેને વિક્ટોરિયામાં મૂકી દીધો છે. હું બોરતળાવ ભાવ વિલાસ પાસે શિવનગરમાં રહું છું. આમ તો આ વિસ્તારમાં અજગર નીકળે તો દેખાય જાય પણ કેમ કોઈને ધ્યાન ગયું નહિ નવાઈ લાગે છે. અમારી સોસાયટી વિસ્તાર જાગતો વિસ્તાર છે. રસ્તો પાકો છે બન્ને બાજુ બ્લોક છે આમ છતાં ઘર સુધી પહોંચવામાં કોઈની નજર ગઈ નહિ અને અંતે બાળકોએ જણાવ્યું હતું.