ભાવનગર : જેસર તાલુકામાં પૈસાની લેતી દેતી બાબતે બે સગા ભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. મોડી રાત્રીના સમયે મોટાભાઈની નજરની સામે નાના ભાઈની હત્યા કરવામાં આવી હતી. જ્યારે મોટાભાઈ બચાવવા વચ્ચે આવતા તેના પર પણ તીક્ષ્ણ હથિયાર વડે પાંચથી છ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેઓ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હત્યાને અંજામ આપીને હત્યારાઓ ફરાર થઈ ગયા હતા.
આરોપીઓને કસ્ટડીમાં લિધા : 3 તારીખે મોડી રાત્રિના સમયે ઝઘડો થયો હતો. ઝઘડાનું કારણ હતું કે, વિક્રમ બારૈયા દ્વારા તેના મિત્ર તુષાર પરમાર પાસેથી ગયા વર્ષે ગણપતિ મહોત્સવ નિમિતે 2 હજાર જેવી કિંમત ઉછીની લીધી હતી. ઉછીના નાણાં પરત આપવા માટે સાતમ આઠમ તહેવારનો વાયદો કર્યો હતો. તે રકમ પાછી ન આપે તો બાઇક લઇ લેવાની વાત થઈ હતી. આ બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં તુષાર પરમાર અને તેમના મિત્રોએ નરસી બારૈયા અને તેના મોટા ભાઈ વિક્રમ બારૈયાને બોલાવ્યા હતા. જ્યાં તુષાર પરમાર સાથે આવેલા પાંચ થી છ શખ્સોએ તિક્ષ્ણ હથિયારો વડે નરસી બારૈયા અને તેના ભાઈ વિક્રમ બારૈયા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં નરસી બારૈયાનું ઘટના સ્થળ પર મૃત્યુ થયું હતું, જ્યારે વિક્રમ બારૈયાને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
પરિવાર પર આભ તુટી પડ્યું : મૃતકના પરિવારના સૂત્રોના જણાવ્યા મુજબ તુષાર પરમાર અને તેની સાથે આવેલા પાંચ મિત્રોએ હત્યાના બનાવને અંજામ આપ્યો હતો. મૃતક નરશી બારૈયા અને ઇજાગ્રસ્ત વિક્રમ બારૈયા બંને છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મૃતક નાનજી બારૈયાના લગ્નને માત્ર એક વર્ષ જેટલો સમય વિત્યો છે અને તેની પત્ની પણ ગર્ભવતી છે. હત્યાના બનાવ અંગે જેસર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મૃતકના મૃતદેહને ભાવનગર સર.ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવના કારણે સામાન્ય વર્ગના પરિવારનો માળો વિખાઇ જતા રોષ ફેલાયો છે. બનાવ બાદ તુષાર પરમાર સહિત પાંચને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા છે, તેવું Dysp મિહિર બારૈયાએ જણાવ્યું હતું.