ભાવનગર: અલંગમાં કોરોના વાયરસને પગલે તંત્ર પુરતી અગમચેતી દાખવી જરૂરી પગલા ભરી રહ્યું છે. જે અંગેની એક બેઠક જિલ્લા પોલીસવડની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ, કસ્ટમ વિભાગ, આરોગ્ય વિભાગ, અલંગના શિપ બ્રેકરો તેમજ અન્ય સરકારી વિભાગનો અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં ખાસ અલંગમાં જહાજો ભંગાવા માટે આવતા હોય ત્યારે જહાજોના ક્રૂ મેમ્બરો માટે 100 બેડની કવોરન્ટાઈન હોસ્પિટલ બનાવવા અંગેની કાર્યવાહી ઝડપી થાય તે દિશાના સુચન કરવામાં આવ્યું હતું.
આ સાથે સાથે જે દેશોના શીપ લાવવા પર પ્રતિબંધ હાલ મૂકી દેવામાં આવ્યો છે, તે દેશોના શીપ હવે અહી હાલના લાવવામાં આવે તેમજ જે જહાજો 15 ફેબ્રુઆરી બાદ અલંગ આવવા રવાના થયા હોય કે, એન્કર પોઈન્ટ પર હોય તેના ક્રૂ મેમ્બરોને ફરજીયાત કવોરન્ટાઈન વિભાગમાં દાખલ કરવા તેમજ જો કોઈ સંક્રમિત ક્રૂ મેમ્બર મળી આવે તો તેને જહાજ પરથી હોસ્પિટલ સુધી કેવી રીતે લાવવો તે અંગે એસ.ઓ.પી બનાવવા અંગે આરોગ્ય અધિકારીને તાકીદ કરવામાં આવી હતી. જયારે 13 માર્ચ બાદ અલંગ તરફ રવાના થયેલા કોઈપણ જહાજને ભંગાણ માટે પ્રવેશ આપવામાં ના આવે તેની ખાસ તકેદારી રાખવા પણ જણાવ્યું હતું. એન્કર પર રહેલા જહાજને બીચીંગ કરતા પહલા તેના ક્રૂ મેમ્બરોની તપાસ પ્રથમ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે અને જેમાં શીપ પર જવા માટેની એક દિવસની ટ્રેનિંગ પણ આપવા અંગે પોર્ટ ઓફિસરને તાકીદ કરવામાં આવી હતી.
અલંગ ખાતે કાર્યરત રેડક્રોસ હોસ્પિટલમાં પણ કોરોના અંગે લોકોમાં સાચી માહિતી અંગે પત્રિકાઓ આપવા આવી રહી છે. જયારે અલંગમાં પરપ્રાંતિય મજૂરો મોટી સંખ્યામાં વસવાટ કરતા હોય અને જેથી તેમના જ પરિવારની મહિલાઓને હેલ્થ વર્કર તરીકે પસંદગી કરી ત્રણ મહિનાની ટ્રેનિંગ આપી છે. જે પણ હાલ કોરોના અંગેની જાણકારી આપવામાં જોડાઇ રહ્યાં છે.