ભાવનગરઃ શહેરની જૂની સ્ટીલ કાષ્ટ કંપની અને તેનો પરિવાર ઉદ્યોગપતિ ક્ષેત્રે મોટું નામ ધરાવે છે, ત્યારે તંબોલી પરિવારના પારિવારિક ઝઘડાએ ખૂની સ્વરૂપ ધારણ કર્યું છે, વણિક પરિવારે વર્ષો પહેલા સ્ટીલ કાષ્ટ કંપની બાદમાં ટીસીએલ કંપની બાદ વધુ એક કમ્પની સ્થાપીને પરિવારનું કદ સામાજિક ક્ષેત્રે મોટું કર્યું છે, જો કે આજ બનેલા અઘટનીય બનાવમાં પરિવારના ભાઈઓ એક બીજાની હત્યા કરવા પર પોહોચી ગયા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે તંબોલી પરિવારના વૈભવ તંબોલીને તેના ભાઈ મેહુલ તંબોલીએ છરી મારતા ગંભીર હાલતે ભાવનગરની બજરંગદાસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વૈભવને પેટના ભાગે છરી મારતા ખૂબ લોહી વહી જવા પામ્યું હતું અને ચાર બોટલ લોહી ચડાવવાની ફરજ પડી હતી. તો મોડી રાત્રે તેને ICUમાં ફેરવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે અને વૈભવ તંબોલીની હાલત નાજુક હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
તંબોલી પરિવારનું નામ શહેરમાં ઉદ્યોગપતિઓમાં ખૂબ મોટું છે, ત્યારે ટીસીએલ કમ્પનીની બોર્ડ મિટિંગ દરમ્યાન બંને ભાઈઓ વચ્ચે થયેલી ઉગ્ર માથાકૂટ બાદ મેહુલ તંબોલીએ છરી મારી દીધી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જોકે સૂત્રોએ એ પણ જણાવ્યું હતું કે સ્ટીલ કાષ્ટ કમ્પની સ્થપાયા બાદ આંતરિક વિખવાડો યથાવત રહ્યા હતા અને આજે આંતરિક વિખવાદમાં પારિવારિક મામલો હત્યા કરવા સુધી પહોચી ગયો છે.
ભાવનગરના ઉદ્યોગપતિઓમાં બનેલી ઘટના બાદ ચારેતરફ ઘટનાને વખોડીને નિંદનીય ગણાવી છે. જો કે પારિવારિક મામલો હોવાથી અન્ય ઉદ્યોગપતિઓ પણ વધુ કાંઇ કહેવા તૈયાર નથી.