ભાવનગર : જિલ્લામાં ચોમાસાનો વરસાદ નથી ત્યારે તાવ, મેલેરીયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગ માથું ઊંચકી રહ્યા છે. તાજેતરમાં જ એક બાળકીનું ડેન્ગ્યુથી મૃત્યુ થયું છે. ત્યારે ચાલુ વર્ષમાં ડેન્ગ્યુના કેસમાં મૃત્યુ થયા બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જોકે એક મૃત્યુમાં રિપોર્ટ પોઝિટિવ નથી. પણ ગંભીર બાબત એક જ છે કે, બાળકીનું મૃત્યુ થતું હોય ત્યારે પોરા નાશક કામગીરી સામે સવાલ ઉભા થાય છે. સિહોરમાં બાળકીના મૃત્યુ બાદ પણ નગરપાલિકાના પેટનું પાણી હલતું નથી. જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ હવામાં જવાબ આપી રહી છે.
બાળકીએ જીવ ગુમાવ્યો : ભાવનગર જિલ્લાના સિહોર ખાતે બે દિવસ પૂર્વે એક આઠ વર્ષની બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું. જોકે બાળકીને ઘણા સમયથી તાવ આવતો હતો. ત્યારે તેના રિપોર્ટ કરવામાં આવતા ડેન્ગ્યુ હોવાનું સામે આવ્યું હતું. મૃત્યુના બનાવ બાદ ભાવનગર જિલ્લાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. જોકે નગરપાલિકા વિસ્તારમાં બનાવ હોવાથી જવાબદારી નગરપાલિકાની ઉભી થાય છે. સ્થાનિકોએ નગરપાલિકા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સિહોર નગરપાલિકા વિસ્તારમાં ઘરે ઘરે ચેકિંગ હાથ ધરવામાં આવતું હોવાના બણગાં ફૂંકવામાં આવ્યા છે.
પરિવારજનોના આક્ષેપ : આ અંગે મૃતક બાળકીના દાદા કે.સી. રાઠોડે પોતાનો રોષ ઠાલવ્યો હતો. અમારા વિસ્તાર કર્મચારીનગર નજીક નગરપાલિકાનો ખુલ્લો પ્લોટ આવેલો છે. જેમાં આસપાસના દરેક લોકો દરેક પ્રકારનો કચરો નાખે છે. જેને કારણે મચ્છરનો ત્રાસ વધી ગયો છે. અમારી દીકરી એક્સપાયર થઈ ગઈ છે. હજુ બે કેસ ભાવનગરમાં દાખલ છે. નગરપાલિકામાંથી હજુ કોઈ જોવા આવ્યુ નથી. અનેક રજૂઆતો કરવા છતાં અમારૂ કોઈ સાંભળતું નથી. સરકાર ના સાંભળે અને નગરપાલિકાના ના સાંભળે તો આખરે કોને કહેવું.
ડેન્ગ્યુ અને મેલેરીયાની હાલમાં સીઝન કહેવાય છે. વરસાદ થંભી ગયા બાદ ખુલ્લામાં પાણી ભરાય અને તેમાં મચ્છરો ઈંડા મુકતા હોય છે. જોકે સિહોરમાં હાલમાં ડેન્ગ્યુ પોઝિટિવ એક બાળકીનું મૃત્યુ થયું છે. ત્યારે સિહોર તાલુકામાં એક મરણ થયું છે, પરંતુ તેનો રિપોર્ટ પોઝિટિવ નથી આવ્યો. આપણા જિલ્લામાં 15 જેટલા ડેન્ગ્યુના કેસ નોંધાયેલા છે. પોરાનાશક કામગીરી નગરપાલિકા અને તાલુકામાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. -- ચંદ્રમણીકુમાર (આરોગ્ય અધિકારી,ભાવનગર જિલ્લા પંચાયત)
મચ્છરજન્ય રોગના કેસ : ભાવનગર જિલ્લામાં જિલ્લા પંચાયતનું આરોગ્ય વિભાગ મેલેરીયા, ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગના પગલે કામગીરી કરતું હોય છે. જિલ્લામાં ત્રણથી ચાર હજાર જેટલી આશા વર્કર બહેનો પણ ઘરે ઘરે જઈને પોરા નાશક દવા નાખે છે. જોકે જિલ્લામાં જોઈએ તો ગત વર્ષે 432 જેટલા ડેન્ગ્યુના ટેસ્ટ કરતા 57 પોઝિટિવ ડેન્ગ્યુના કેસ મળી આવ્યા હતા. પરંતુ એક પણ મૃત્યુ નહોતું થયું. ત્યારે ચાલુ વર્ષમાં 212 જેટલા કેસના રિપોર્ટ કરતા 15 જેટલા કેસો મળી આવ્યા છે. જેમાં એકનું મોત થયું છે. મેલેરિયામાં જોઈએ તો 2022માં 4,44,659 ટેસ્ટિંગમાં 29 કેસ મળ્યા હતા. ત્યારે 2023માં હાલ સુધીમાં 3,40,407 કેસ ટેસ્ટિંગ કરતા 12 કેસ મળી આવ્યા છે.
તંત્રની કામગીરી પર સવાલ : સમગ્ર ગુજરાતમાં મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા કેસમાં દવા નાખવા માટે સરકાર દ્વારા આશા વર્કર બહેનો રાખીને પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ જેને પોરાનાશક કામગીરી કરવાની હોય તે જ સરકારી સંસ્થા નગરપાલિકાની બેદરકારીએ મચ્છરોનો ઉપદ્રવ વધતો હોય છે. તો તેની પહેલા નિકાલ કરવાની જવાબદારી બની જાય છે. પરંતુ નગરપાલિકાની બેદરકારી અને જિલ્લા આરોગ્ય વિભાગની કામગીરીને લઈને સિહોર પંથકના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બાળકીના મૃત્યુ બાદ લોકોમાં ભારે રોષ ફેલાયો છે.