ભાવનગર: કોરોના વાઈરસના શહેરમાં 17 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી બોરડીગેટ વિસ્તારમાં 6 કેસ છે. જેને લઈને આ વિસ્તારમાં પોલીસે ચકાસણી કરી હતી અને વિસ્તારને સિલ કર્યો હતો. જ્યારે પોઝિટિવ દર્દીઓને આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. ભાવનાગરમાં એક સાથે 17 કેસ સામે આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ભાવનગર પોલીસ અને આરોગ્ય વિભાગે પોઝિટિવ વિસ્તારને સિલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર ડીવાયએસપી મનીષ ઠાકર પોતાની ટીમ સાથે બોરડીગેટ વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરી હતી. થોડા દિવસો પહેલા આવેલા એક કેસ બાદ હવે બોરડીગેટ વિસ્તારમાં એક સાથે 6 કેસ સામે આવ્યા છે. મહાનગરપાલિકા પોઝિટિવ કેસ આવતા સિલ કરવાનો વિસ્તાર વધારતી જાય છે ત્યારે લોકોને ઘરમાં રહેવા પોલીસ પણ વિનંતી કરી રહી છે.
ભાવનગરના સંઘેડિયા બજાર, પખાલીવાડ, કરચલિયા પરા, બોરડીગેટ અને સી ડિવિઝનમાંથી કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં પખાલીવાડમાં 9 કેસ અને બોરડીગેટ વિસ્તારના 6 કેસ નોંધાયા છે. કરચલિયા પરા, સંઘેડિયા બજાર અને મોચી શેરીમાં 1-1 કેસ નોંધાયો છે.