ભરૂચ: જિલ્લા હિતરક્ષક સમિતિ કન્વીનર તેમજ પૂર્વ પ્રધાન ખુમાનસિંહ વાસિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતનાં સીએમ વિજય રૂપાણી સહિત દસ લોકોને પત્ર લખી એવી રજૂઆત કરી છે કે, વાગરા તાલુકાનાં ત્રણ ગામોની જમીન સંપાદનની પ્રક્રિયામાં કૌભાંડ થતાં ગરીબ ખેડૂતોનો ભોગ લેવાઈ ગયો છે. વર્ષ 2020માં વાગરા તાલુકાનાં અંભેલ, પખાજણ અને લીમડી ગામોની 1600 એકર જમીન સંપાદન પ્રક્રિયામાં 1200 એકર જમીન મૂળ ખેડૂત ખાતેદારોને સમજાવી, પટાવીને નજીવા ભાવે દસ્તાવેજો લખાવીને તેનાથી સંતોષ ન થતાં જીઆઈડીસીએ જમીન સંપાદનનું જાહેરનામું બહાર પાડીને એમડી એમ. થન્નારશનના સીધા મળતીયાઓને પહેલાં જ મોટી રકમનું વળતર ચુકવવામાં આવ્યું હતું.
ત્યારબાદ વળતર ચુકવવાનું અટકાવીને મોટાભાગના આદિવાસી ખેડૂત ખાતેદારોને પ્રલોભન આપી છેતરપીંડી કરીને કાયદાની છટકબારીઓના ઓથા હેઠળ દસ્તાવેજો લખાવી લેવાની ઘટના બની છે. તેઓએ જીઆઈડીસીના એમ.ડી. સહીત ત્રણ અધિકારીઓ સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. જે અંગે સમગ્ર કોભાંડ બાબતે સીબીઆઈ તપાસની માગ કરવામાં આવી છે.