ભરૂચ : નગર સેવા સદનની મુલદ ખાતે આવેલ ડમ્પિંગ સાઈટના સુપરવાઈઝરનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં ડમ્પિંગ સાઈટમાં કચરો ઠાલવવા માટે કૌભાંડ આચરાતું હોવાનો પર્દાફાશ થયો હતો. તેમજ નાણાંનો વહીવટ કરી ઓદ્યોગિક કચરો પણ ઘન કચરાના નિકાલની ડમ્પિંગ સાઈટમાં ઠલવાતો હોવાનું બહાર આવ્યું હતું.
જેમાં આ અંગે જીપીસીબીને મળેલી લેખિત ફરિયાદના આધારે જીપીસીબીના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. તેમજ રીપોર્ટ તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જો કે, જીપીસીબીની ટીમને ડમ્પિંગ સાઈટમાંથી રાસાયણિક કચરો મળી આવ્યો ન હતો.
આ અંગે ભરૂચ જીપીસીબીનાં રિજ્યોનલ ઓફિસર ફાલ્ગુન મોદીએ ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓની ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી છે. હવે રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.