ભરૂચ: અંકલેશ્વરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. જો કે લોકોમાં હજી પણ ગંભીરતા જોવા મળી રહી નથી.
અંકલેશ્વરના જૂના શાકમાર્કેટમાં એક વ્યક્તિને કોરોના પોઝિટિવ આવતા સમગ્ર વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં અવર જવર પર પ્રતિબંધ હોય છે. ત્યારે અંકલેશ્વરમાં તો શાકમાર્કેટ ભરાયેલું જોવા મળ્યુ હતુ. તેમજ શાકમાર્કેટમાં લોકો બિંદાસ ખરીદી કરતા અને વેપારીઓ વેચાણ કરતા જોવા મળ્યા હતા. આ અંગેની જાણ નગરપાલિકાને થતા અધિકારીઓનો કાફલો દોડી આવ્યો હતો અને માર્કેટ બંધ કરાવી દીધું હતું. જો કે અહીં પ્રશ્ન એ થાય કે આટલું મોટું શાકમાર્કેટ ભરાયું અને તંત્રને જાણ જ ન થઇ. તો બીજી તરફ લોકો હજુ પણ કોરોનાને ગંભીરતાથી લઇ રહ્યા નથી અને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં પણ ખરીદી કરતા નજરે પડ્યા હતા.